અમદાવાદમાં ચોરીની લોડિંગ રિક્ષામાં જ ચોરીનાં ટ્યૂબ-ટાયર લઈ જનારા 2 આરોપીઓ ઝડપાયા


વેજલપુરમાંથી લોડિંગ રિક્ષાની ચોરી કરીને તે લઈને સરખેજ વિસ્તારના એક ગોડાઉનમાંથી ટાયર – ટયુબની ચોરી કરનારા 2 ચોરીની સરખેજ પોલીસે અટકાયત કરી હતી. બંને પાસેથી પોલીસે રૂ.2 લાખની કિંમતની રિક્ષા અને રૂ.1.35 લાખની કિંમતના ટાયર-ટયુબ જપ્ત કર્યા હતા.
સરખેજ પીઆઈ વી.જે.ચાવડા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક લોડિંગ રિક્ષામાં ટયુબ-ટાયરનો જથ્થો લઈને જતા 2 માણસને પોલીસે અટકાયા હતા. તેમની પાસે ટયુબ-ટાયરના બીલ સહિતની માહિતી માંગતા તેઓ કોઇ આધાર-પુરાવા રજૂ કરી શકયા હતા નહિ.
પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા તેમાં મોહંમદ ઈરફાન મેમણ(33) તથા સુફીયાન શેખ (27)(બંને રહે. દાણીલીમડા) હોવાનું જાણવા મળ્યું હતું. બંનેને ટયુબ – ટાયર અને લોડિંગ રિક્ષા અંગે પૂછતા તેમણે તા.15 ઓકટોબરે વેજલપુર વિસ્તારમાંથી લોડિંગ રિક્ષાની તસ્કરી કરી હતી.
ત્યારપછી તે રિક્ષા લઈને તે બંને સરખેજ વિસ્તારના એક ગોડાઉનમાંથી ટયુબ-ટાયરની તસ્કરી કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.2 લાખની કિંમતની લોડિંગ રિક્ષા અને રૂ.1.25 લાખની કિંમતના ટયુબ-ટાયર મળીને કુલ રૂ.3.35 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.