અમદાવાદમાં ગેરકાયદે દબાણ મામલે કોર્પોરેટરના ઘરે રહીશોનો હોબાળો


ઠક્કરબાપાનગર વિસ્તારના મહિલા કોર્પોરેટર હર્ષાબેન ગુર્જર સામે ગેરકાયદે દબાણ અંગે રજૂઆત કરવા 15 સોસાયટીના રહીશો પહોંચતા ભારે હંગામો મચ્યો હતો. મહિલા કોર્પોરેટરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ઠક્કરબાપાનગર વિસ્તારમાં સરદાર ચોક પાસે મણિબા સ્કૂલ નજીક રાજીવ પાર્ક મધ્યે રહેતા હર્ષાબેન ગુર્જરના ઘરે સોમવારે રાત્રે 100થી વધારે લોકોનું ટોળું રજૂઆત માટે પહોંચ્યાં હતા. આ વિસ્તારમાં ટીપીનો રસ્તો જો ખુલ્લો કરાય આવે તો 15 જેટલી સોસાયટીઓને લાભ થાય તેમ છે.
જોકે સ્થાનિકને એવું લાગી રહ્યું હતું કે, આ ટીપી કપાતમાં હર્ષાબેનનું મકાન પણ કપાતમાં જતું હોવાને લીધે તેઓ આ સમગ્ર કામગીરી અટકાવી રહ્યા છે. વિવિધ સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા આ વિસ્તારના અન્ય કોર્પોરેટર અને ધારાસભ્ય સામે પણ રજૂઆતો કરી હતી. જોકે આ રસ્તો નહીં ખૂલતા લોકોએ મહિલા કોર્પોરેટરના ઘરે પહોંચતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી.