મોખા ટોલનાકા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા મોટી ભુજપુરના યુવાનનું મોત નીપજયું


મુન્દ્રા તાલુકાના મોખા ટોલનાકા પાસે ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવેલા અજ્ઞાત યુવાનનું સારવાર પહેલા મોત થયું હતું. પોલીસ તપાસમાં હતભાગી મોટી ભુજપુરનો રહેવાસી હોવાનું અને ફીટની બીમારીથી પડી જતાં મોત થયાનું બહાર આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર ઘટના સવારના 8 વાગ્યાથી 12વાગ્યાના દરમ્યાન બની હતી. માથામાં ગંભીર ઇજા સાથે અજાણ્યો યુવકે પ્રથમ મુન્દ્રા ભુજ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવા વખતે તેને સામખિયાળી પાસે અંતિમ શ્વાસ લીધો હતો. હોસ્પિટલના ડોક્ટરે મૃત જાહેર કરતાં ઘટના અંગે મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકમાં અકસ્માત નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતાં આ મૃતક યુવકની ઓળખ થઇ હતી. હતભાગી યુવાન મુન્દ્રા તાલુકાના મોટી ભુજપરનો રહેવાસી રમેશ પચાણભાઇ મહેશ્વરી (ઉ.વ.33) હોવાનું ખુલ્યું હતું.
મરીન પોલીસ મથકના તપાસનીશ હેડ કોન્સ્ટેબલ જીતુભા સોઢાએ આ મૃતક યુવાનને ફીટની બીમારી હોવાથી તે ઉભા થઇ ચાલતા સમયે અચાનક રોડ પર પટકાઇ ગયો હતો અને તેને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોચતા આ કરૂણ ઘટના બની હોવાનું જણાવ્યું હતું.