અમદાવાદના SP રિંગ રોડ પર કાર ટક્કરાવ્યા પછી ખર્ચાની માંગણીના બહાને યુવકને માર મારી લૂંટી લેવાયો


સરદાર પટેલ રિંગ રોડ પરના રણાસણ ટોલ ટેક્સ નજીક ઓવર ટેક કરી કારને ઠોકર મારી કારના નુકશાન પેટે ખર્ચ માગી યુવકને મારી રૂ.10 હજાર અને સોનાની ચેઇન લૂંટી 4 ઇસમો કારમાં નાસી ગયા હતા. આ વિશે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા આશ્રય વાટિકામાં રહેતા અને છેલ્લા 5 દિવસથી ઘાટલોડિયા પ્રમુખ નગરમાં ભાડે રહેવા આવેલા 35 વર્ષીય કૌશલ બારોટ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. કૌશલ બારોટ પોતાની કાર લઇને મોડી રાત્રે બરોડા જવા માટે નીકળ્યા હતા, ત્યારે રણાસણ ટોલ ટેક્સ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન પાછળથી વાદળી કલરની કારના ચાલકે ઓવર ટેક કરી હતી. જેના લીધે કૌશલ બારોટની કારને પાછળની સાઇડે ઠોકર વાગી હતી. કૌશલ બારોટે કાર બાજુમાં ઉભી રાખી હતી. ઠોકર મારનાર કારનો ચાલક અને તેના 3 મિત્રો દારૂ પીધેલી હાલતમાં કૌશલ બારોટ પાસે કારને નુકશાનના પૈસાની માગણી કરી માર માર્યો અને તેના ખિસ્સામાંથી રોકડા રૂ. 10 હજાર અને 50 હજારની કિંમતની સોનાની ચેઇન લૂંટી લીધીને ધમકી આપીને પલાયન થઈ ગયા હતા.