જામનગરમાં મહિલાઓને ઓનલાઈન મિત્રતા માટે ધમકાવતો ઈસમ પકડાયો


જામનગર શહેરમાં તથા અન્ય જગ્યાઓ પર વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓની પ્રોફાઈલમાંથી મોબાઈલ નંબર મેળવી મિત્રતા કરવા માટે સતત મેસેજ કરી જવાબ ન આવે તો ધાકધમકી આપતો અને મહિલાઓના પર્સનલ ફોટા પોતાના પાસે છે તેને વાયરલ કરી દેવાની ધમકી આપી મિત્રતા કરવાનો પ્રયત્ન કરતા ઈસમને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
જામનગર શહેરમાં તથા આજુબાજુ મહિલાઓના મોબાઈલ નંબર પર ફોન કરી મિત્રતા કરવા માટેની પજવણી કરતા ઈસમ સામે જામનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. જે તપાસ દરમિયાન આરોપીનું લોકેશન પોરબંદરનું આવતા જામનગર સાયબર ક્રાઈમના સ્ટાફે ત્યાં દરોડો કરી 3 દિવસ સુધી સિવિલ કપડામાં રહી વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા (ઉ.વ.20) ધંધો ખેતી, રહે. નાની લાખાણી, હાલ આદિત્યાણા, નવાપરા, પોરબંદરને ઝડપી પાડ્યો હતો.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના પ્રોફાઈલમાંથી મોબાઈલ નંબર મેળવી મિત્રતા કરવા માટે સતત મેસેજ કરતો અને તેનો જવાબ ન આવે તો ધાકધમકી આપતો હતો. તેમજ મહિલાઓના પર્સનલ ફોટા તેની પાસે છે તેને વાયરલ કરી દેશે તેવી ધમકી આપતો હતો. પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. આ અગાઉ તેની વિરુદ્ધ પોરબંદર અને પંચ-બી પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે.