આણંદમાં પરફ્યૂમ અને કોસ્મેટિકના વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો


આણંદ શહેરમાં આવેલ માનયાની ખાડ જોગીદાસની ખડકીમા રહેતા કેતનકુમાર વિનયચંદ્ર શાહ છેલ્લાં વીસેક વર્ષથી પરફ્યુમ અને કોસ્મેટિકનો વેપાર કરે છે. છેલ્લાં કેટલાક સમયથી આણંદના સરદારગંજમાં દુકાન ભાડે રાખીને ધંધો કરે છે. છ વર્ષ અગાઉ ધંધાના કામ માટે પૈસાની જરૂર પડતાં સારસા મધ્યે રહેતા અને વ્યાજે પૈસા ધીરધાર કરતા લાલીભાઈ પટેલ પાસેથી 4 ટકાના વ્યાજે રૂપિયા 5.50 લાખ ઉછીના લીધા હતા. જે પેટે 4.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં બાકીના પડતા એક લાખની ઉઘરાણી માટે વોટ્સપ ઉપર મેસેજ કરતા હતા.
ત્યાર પછી બે વર્ષ પૂર્વે પોતાના મિત્ર પ્રભુભાઈ પ્રજાપતિ મારફતે મુળ વડોદરાના પરંતુ હાલમાં આણંદ મધ્યે રહેતા લાલાભાઇ પ્રજાપતિ પાસેથી 15 ટકા વ્યાજે રૂપિયા 4 લાખની ઉછીના લીધા હતા. જેના વ્યાજની નિયમિત ચુકવણી કરાઈ હતી. ઉછીના આપેલા વ્યક્તિઓ દ્વારા પોતાની મૂડી અને વ્યાજની ઉઘરાણી કરતા હતા. ત્યારપછી દુકાનના માલિક ઉપેન્દ્રભાઈ પટેલ પાસેથી અઢી ટકાના વ્યાજે રૂપિયા 13.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેનું પણ દર મહિને નિયમિત રીતે જે વ્યાજ થતું હતું તે ચૂકવાતું હતું. તેમ છતાં પણ તેઓ દ્વારા પણ પોતાની મૂડી અને વ્યાજની રકમની વારે ઘડીએ ઉઘરાણી કરાતી હતી.
મહત્વનું છે કે લાલીભાઇ પટેલ,લાલાભાઈ પ્રજાપતિ, પ્રભુભાઈ આનંદભાઈ પ્રજાપતિ, ઉપેન્દ્રભાઈ પટેલ અને હરીશભાઈ ઉર્ફે પેઈન્ટર ગુફાવર વ્યાજની વારંવાર ઉઘરાણી કરતા અને ફરિયાદી કેતનકુમારને ફોન કરીને ધમકી આપતા કેતનકુમાર ગભરાઈ ગયા હતા અને મનમાં લાગી આવતા સાંજના સમયે મચ્છર મારવાની મેક્સો લિક્વિડની બે બોટલો, ઉંદર મારવાની દવા તથા બ્લેડથી પોતાના બંને હાથે ઘા કરીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગંભીર ઈજા પામેલા કેતનકુમાર ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કેતનકુમાર શાહની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે લાલીભાઈ પટેલ, લાલાભાઇ પ્રજાપતિ, પ્રભુભાઈ પ્રજાપતિ, ઉપેન્દ્રભાઈ પટેલ અને હરીશભાઈ પેઈન્ટર સામે ઈ.પી.કો કલમ 507,114ધી મની લોન્ડરીઞ એકટ 2011 ની કલમ 33,40 તથા 42 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.