મતદાનના ૪૮ કલાક પહેલા મતવિસ્તારમાં મતદાર સિવાયના બહારથી આવતાં રાજકીય કાર્યકર્તાઓ હાજર રહી શકશે નહીં
જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ભારતના ચુંટણી પંચની સુચના મુજબ રીપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એકટ, ૧૯૫૧ની કલમ ૧૨૬ મુજબ ચુંટણી મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા ચુંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે. ચુંટણી પ્રચાર માટે જે તે મતવિસ્તારમાં તે મતવિસ્તારની બહારથી આવતા રાજકીય ફંડકશનરીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંડશનરી, પ્રચાર ફંકશનરીઓ વગેરે, કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી, તેઓએ ચુંટણી પ્રચારનો સમય પુર્ણ થયા બાદ એટલે કે મતદાનના આખરી ૪૮ કલાક પહેલા તે મતવિસ્તારમાં હાજર રહે નહીં તે માટે સૂચના આપવામાં આવી છે.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૧૪ થી તેમને મળેલ સતાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે મત વિસ્તારમાં ચુંટણી પ્રચાર અર્થે જે તે મતવિસ્તારની બહારથી આવેલ રાજકીય ફંકશનરીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંડશનરી, પ્રચાર ફંકશનરીઓ વિગરે કે જેઓ સબંધિત મતવિસ્તારના મતદારો નથી તેઓએ ચૂંટણી પ્રચારનોસમય પૂર્ણ થયા બાદ એટલેકે મતદાન પુરું થતાં સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં તે મતવિસ્તારમાં હાજર રહેવું નહીં તેમ ફરમાવેલ છે.
કચ્છ જિલ્લાના તમામ મતવિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્યો મતદાન પુરું થતાં સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં પોતે જે ચુંટાયા હોય તે સબંધિત મતવિભાગમાં તેઓ જે તે મતવિભાગના મતદાર હોય કે ન હોય તો પણ ચુંટણી પ્રચારમાં સામેલ ન થવાની શરતે જ રોકાઇ શકશે. તેમજ ધારાસભ્ય જે તે વિધાનસભા મતવિભાગ સિવાયના મુલાકાત લઇ શકશે નહીં.
મતદાનના પુરું થતાં સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં ઘેર ઘેર મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર કરી શકાશે પરંતુ ઘેર ઘેર પ્રચાર વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઇ શકશે. મતદાન પુરૂ થતાં સમયગાળા પહેલા ૪૮ કલાક ના સમયગાળામાં ઘેર ઘેર પ્રચાર વખતે કાર્યકરો, નેતાઓ, જેના પર પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી, મફલર, પહેરી શકશે પરંતુ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહીને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ.૨૦૦/- નો દંડ અથવા બંને સજા થઇ શકશે. ઉપરાંત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૩ હેઠળ તથા ભારતીય દંડ સંહિતાના પ્રકરણ-૯(એ) હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકશે.