ગળપાદર નજીક કોઈ પણ આડશ વિના ઉભેલા ટેન્કરમાં ટ્રેઇલર અથડાતાં અકસ્માત સર્જાયો: ક્લીનરનું મોત
copy image
ગળપાદર હાઇવે પર 9 દિવસ પૂર્વે ઉભેલા ટેન્કરમાં ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં ટ્રેઇલરની કેબિનમાં સૂતેલા ક્લીનરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હોવાની ઘટના સમયે જ ગાંધીધામ, આદિપુર અને અંજાર પંથકમાં ગેસની દૂર્ગંધ આ અકસ્માતને કારણે ફેલાઇ હોવાની ચર્ચા થઈ હતી પરંતુ કોઇપણ કારણોસર આ બનાવની સાચી વિગતો કોઇપણ તંત્ર પાસે ન હોવાના જવાબ મળ્યા હતા અંતે 9 દિવસ પછી આ જીવલેણ અકસ્માત પોલીસ ચોપડે દાખલ થયો હતો.
મુળ બનાસકાંઠાના હાલમાં ગળપાદર રહેતા અને એસીટી લોજિસ્ટિકમાં ટ્રક ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બાબુભાઇ ગોવિંદભાઇ શિલવાએ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રે 9 વાગ્યે તેઓ ક્લીનર લક્ષ્મણરાય યાદવ સાથે ચાઇના ક્લે ભરીને નિકળ્યા પછી] પરોઢે 4 વાગ્યે ગળપાદર હાઇવે પર મેઘપર બોરીચી પાસે આગળ કોઇપણ આડશ રાખ્યા વગર ઉભેલા ટેન્કરમાં તેમનું કન્ટેનર ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં કેબિનનો ડૂચો વળી ગયો હતો જેમાં કેબિનમાં સૂતેલો લક્ષ્મણરાય દબાઇ જતાં ઘટનાસ્થળે મોત થયું હતું.
અકસ્માત બાદ તેમને પણ સામાન્ય ઇજા થઈ હોવાથી સારવાર બાદ ઘરે ચાલ્યો ગયો હોવાને કારણે ફરિયાદ મોડી દાખલ કરાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ જે દિવસે આ અકસ્માત બન્યો તે દિવસે વાયરલ થયેલા ફોટામાં ટેન્કરની ટેન્ક તૂટી જતાં તેમાંથી કંઇક લીકેજ થતું હોવાનું નજરે પડ્યું હતું. આ પરોઢે બનેલી ઘટના પછી તરત જ ગાંધીધામ, આદિપુર અને અંજાર પંથકમાં ગેસની તીવ્ર દૂર્ગંધ ફેલાતાં લોકો સફાળા જાગ્યાં હતા અને જે જગ્યાએ આ અકસ્માત થયો હતો ત્યાં ધૂમાડા પણ દેખાયા હતા પણ હવે આ જીવલેણ અકસ્માતની ઘટના 9 દિવસે અંજાર પોલીસના ચોપડે નોંધાઈ હતી.