દુબઇથી દારૂ લઈ આવતા 3 મિત્ર અંજારમાં ઝડપાયા

copy image

વિદેશથી દારુ લઈ આવેલા 2 સહિત કુલ 3 મિત્રો મોંઘી દારુની બોટલો સાથે કારમાં ભુજ જતા અંજાર પાસે ઝડપાયા. પોલીસે તેમની પાસે 42 હજારના દારુ અને BMW કાર સહિત કુલ 10.42 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. અંજારના કળશ સર્કલ પાસે ઉભેલી BMW કારમાં પોલીસે તલાશી લેતા તેમાથી દારુની વિદેશી અને મોંઘી બોટલો મળી આવી હતી. સમગ્ર ઘટનાક્રમ એવો બન્યો કે વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે ત્યારે મંગળવારના રાત્રે અંજારના કળશ સર્કલ પાસે BMW કાર ઉભેલી હતી.

જેની પોલીસે તપાસ કરતા તેની ડીકી માંથી નાની મોટી વિદેશી દારુની 8 બોટલ, બે પાસપોર્ટ, દુબઈ એરપોર્ટના દારુના બીલ, એક બોર્ડીંગ પાસ મળી આવ્યા હતા. જે સાથે પોલીસે કારમાં સવાર ભાવિન મોહનભાઈ ઠક્કર, મયુરભાઈ વિનોદભાઈ ઠક્કર (રહે. બન્ને ભુજ) અને સાજણ ભીખાભાઈ રબારી (રહે. જડોદર, નખત્રાણા) ની ધરપકડ કરી હતી.

પોલીસે પુછપરછ કરતા આરોપીઓ પાસે દારુની પરમીટ ન હોવાનું જણાવીને કહ્યું હતું કે ભાવિન અને મયુર દુબઈથી પરત આવીને પોતાના વતન ભુજ જતા હતા ત્યારે દુબઈથી ડ્યુટી ફ્રી શોપમાંથી આ બોટલો લીધી હતી. દારુની કિંમત 42,435 અને BMW કારની કિંમત 10 લાખ ગણીને અંજાર પોલીસે કુલ 10,42,435 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ત્રણેય વિરુદ્ધ અંજાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.