22 કરોડની રોકડ- સામગ્રી અને કરોડોના બેનામી વ્યવહારો સામે આવ્યા

છેલ્લા પાંચ દિવસથી કચ્છમાં વિવિધ સ્થળોએ આવકવેરા વિભાગે શરૂ કરેલી તપાસ છેવટે પૂર્ણ થઈ. છેલ્લા દિવસે વિભાગે સમગ્ર જપ્તી અંગે સમાહર્તાને માહિતગાર કરીને વિગતો આપી હતી. વિભાગ દ્વારા હજી એનાલીસીસીસ કર્યા બાદ ખરેખર જપ્તીની વિગતો અપાશે તેમ જણાવાઈ રહ્યું છે. સુત્રોના હવાલાથી પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજે 22 કરોડ જેટલી રોકડ, ઘરેણા તેમજ અન્ય સામગ્રી તેમજ કરોડોના બેનામી વ્યવહારો હોવાની શક્યતા ધરાવતા દસ્તાવેજો, ડીજીટલ આધારોને જપ્ત કરવામાં આવ્યા છે.

ગયા શુક્રવારના ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કચ્છના ફાયનાન્સ સહિતના ક્ષેત્રોએ કાર્યરત ખાવડા ગૃપ સહિત ગાંધીધામ, અંજાર, ભુજ, રાપર અને માંડવીમાં 32 સ્થળોએ સાગમટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઠીક ચૂંટણીઓના પહેલા હાથ ધરાયેલી તપાસથી વિવિધ તર્ક, ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી. વિતતા દિવસો સાથે તપાસનો વ્યાપ પણ વધ્યો અને તપાસના છેલ્લા એવા પાંચમા દિવસે કુલ 40 થી વધુ સ્થળોએ તપાસ કરાઈ હોવાનું સામે આવ્યું હતું.

જે અંગે સતાવાર જાહેરાત તો વિભાગ દ્વારા હવે કરવામાં આવશે પરંતુ બહાર આવતી વિગતો અનુસાર રોકડ, ઘરેણા સહિતની સામગ્રી મળીને અંદાજે 22 કરોડ જેટલાનું સીઝર થયાનું અને અન્ય મોટા પ્રમાણમાં દસ્તાવેજો, ડિજીટલ પ્રમાણો, ડીસ્ક સહિતનાને જપ્ત કરાઈ હોવાનું જણાવાયું હતું.

આ સામગ્રીના એનાલીસીસ પછી ખરેખર કેટલી કરચોરી થઈ છે તે અંગે જાણ કરવામાં આવશે. તેદરમ્યાન 15 દિવસ પછી જ ચૂંટણી હોવાથી જિલ્લામાં મુખ્ય ચૂંટણી અધિકારી એવા કચ્છના ક્લેક્ટર તેમજ અન્ય અધિકારીઓને આવકવેરા વિભાગે મળીને સમગ્ર કાર્યવાહી અને જપ્તી અંગે માહિતગાર કર્યા હતા. અમદાવાદ, રાજકોટથી જે અંદાજે 200થી વધુ અધિકારી, કર્મચારીઓ દ્વારા જે સ્તરની કાર્યવાહી આરંભાઈ હતી. અપેક્ષા જેટલું કાંઈ સાંપડ્યુ ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જોકે, ખરેખર કાર્યવાહીમાં થયેલી જપ્તી અંગે વિભાગ હવે સતાવાર જાહેરાત કરશે ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકશે.