કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીથી માળિયા વચ્ચે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો, વાહનચાલકો પરેશાન
copy image
કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા સુરજબારી ધોરીમાર્ગ પર રાત્રિના 2 વાગ્યે ટ્રેઈલર રોંગ સાઈડમાં આવી જવાના કારણે ચોખા ભરીને મોરબીથી કચ્છ તરફ આવતી ટ્રક માળિયાના હરિપર આગળ પલટી મારી ગઈ હતી. જેથી અકસ્માત થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધાયો છે અને સવારના 11 વાગ્યા સુધી માર્ગ બંધ રહેતા 25 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જે પછી ધીમે ધીમે વાહનો આગળ વધી રહ્યા છે. જોકે, હાલ પણ ટ્રાફિક જામ રહેતા વાહનચાલકો હેરાન પરેશાન થયા છે.
સદભાગ્યે અકસ્માતમાં જાનહાનિ થતાં ટળી હતી. જોકે, માળિયા પોલીસ અને સુરજબારી ટોલગેટની ઇએમટી ટીમ દ્વારા હાલ મોરબી તરફના માર્ગને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. જેથી વાહનો ધીમી ગતિ સાથે આગળ વધી રહ્યા છે. જ્યારે માળિયાથી સામખીયાળી તરફ આવતાં વાહનો હજુ ટ્રાફિક જામમાં ફસાયેલા છે. જેના લીધે વાહન ચાલકોના સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે.
સામખીયાળીથી મોરબી તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8 એ પર આવેલા સુરજબારીથી માળિયા વચ્ચે વારંવાર વિવિધ કારણોસર ટ્રાફિક જામની સમસ્યા થતી રહેતી હોય છે. જેથી અહીંથી પસાર થતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. પરિવહન કરતા વાહનો સાથે ખાનગી વાહનો અને એસટી બસો ટ્રાફિકજામમાં ફસાઈ જતા લોકોને કલાકો સુધી અટવાઇ રહેવું પડતું હોય છે. ત્યારે ફરી એક વાર હરિપર અને દેવ સોલ્ટ વચ્ચે ટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માતના લીધે 25 કિલોમીટર જેટલો મહાટ્રાફિક સર્જાયો છે. જોકે, સુરજબારી ટોલ ગેટની ઇએમટી ટીમ અને માળિયા પોલીસ ટ્રાફિક પૂર્વવત કરાવવાના પ્રયત્ન કરી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.