લૂંટના ગુનામાં 10 વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ઈડરના ઉમેદગઢ પાસેથી ઝડપ્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લુંટના ગુનામાં નાસતો-ફરતા આરોપીને એલસીબીએ ઈડરના ઉમેદગઢથી પકડી પાડ્યો અને ગ્રામ્ય પોલીસને સોપ્યો હતો. આરોપી છેલ્લા 10 વર્ષથી ચોરી અને લૂંટના ગુનામાં નાસતો ફરતો હતો.
આ બાબતે એલસીબીના ઇચાર્જ પીઆઈ એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચુંટણીને લઈને નાસતા ફરતા આરોપીઓને ઝડપવાની કામગીરી કરવા જિલ્લા પોલીસ વડાની સુચનાથી એલસીબીના પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઈ ટી.જે.દેસાઈ સ્ટાફના રજુસિંહ, વિક્રમસિંહ, ધર્મેન્દ્રસિંહ, સનતકુમાર, વિજયકુમાર, ગોપાલભાઈ, અનિરુદ્ધસિંહ, વિરેન્દ્રભાઈ, પ્રકાશકુમાર, કાળાજી, કાળા અને ચંદ્રસિંહ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઈડરના ઉમેદગઢ ચાર રસ્તે ઇડરથી પેસેન્જર જીપમાં બેસીને આવતા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના કણબઈ ગામના 25 વર્ષીય નટુ કાવા બરંડાને ઉમેદગઢ ચાર રસ્તેથી પકડી પાડ્યો હતો. પકડાયેલ આરોપી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચોરી અને લુંટના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસતો-ફરતો હતો. જે આરોપીને એલસીબીએ પકડી હિંમતનગર ગ્રામ્ય પોલીસને સોપ્યો હતો.