ભુજનો શખ્સ એમડી ડ્રગ્સ લઇ આવે તે પૂર્વે જ મુંબઇમાં એટીએસે ઝડપી પાડ્યો

ભુજનો શખ્સ મુંબઇથી એમડી ડ્રગ્સ લઈને ભુજ આવી રહ્યો હતો ત્યારે જ મુંબઇમાં એટીએસના હાથે ઝડપાઇ ગયો છે.મુંબઈ એટીએસના પોલીસ કર્મચારી વિશ્વભર યજ્ઞેશ્વર બાંદિવડેકરે મહારાષ્ટ્રના કસ્તુરબા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે, એટીએસને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન બહાર રીક્ષા સ્ટેન્ડ પર ગુલાબી કલરનો ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલા યુવક પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે.
આ બાતમીના આધારે રેડ પાડીને રાત્રે બે વાગ્યે ઈમરાન ઉર્ફે રોયલ અબ્દુલ અરબ (રહે. સંજોગ નગર મોટાપીર રોડ, ભુજ)વાળાને પકડી પાડવામાં આવ્યો હતો.જેની પાસેથી 19.6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા મોબાઈલ તથા રોકડ જપ્ત કરવામાં આવી હતી. કસ્તુરબા પોલીસ મથકમાં તેની સામે એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.