મહિલાઓને તૈયાર કરવાના નામે બ્યુટીપાર્લરના સંચાલિકાના ખાતામાંથી 79 હજાર સેરવી લેવાયા

મહિલાઓને તૈયાર કરવાનું કહી ભુજમાં બ્યુટીપાર્લરના સંચાલિકાના ખાતામાંથી 79 હજાર ઓનલાઇન ઉપાડી લેવાયા હતા. જે કેસમાં ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ભોગ બનનાર મહિલાને તમામ નાણાં પાછા અપાવી દીધા છે.
ભાવેશ્વર નગરમાં રહેતા રીતુબેન દિનેશભાઇ મોરબીયાને બ્યુટી પાર્લરનો વ્યવસાય હોવાથી તેઓને ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવ્યો અને તે પોતે આર્મીમાં છે એમ કહી ચાર લેડીઝને તૈયાર કરવાની છે તેવું કહ્યું હતું. ખાતામાં એડવાન્સ પેમેન્ટ કરવા માટે અરજદારને રૂ.1 ગૂગલ પે કરવાનું કહેતા\ અરજદારે સામાવાળાના ખાતામા 1 રૂપિયો ટ્રાન્સફર કરતાં થોડીવારમાં જ તેમના કોટક મહિન્દ્રા બેન્કના ખાતામાંથી રૂ.79,500/- સેરવી લીધા હતા.
જે ઘટનામાં ભોગ બનનારે સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનો સંપર્ક સાધતાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર અને ટેકનીકલ રીસોર્સના આધારે ગયેલ પૂરેપુરી રકમ રૂા. 79,500 અરજદારના એકાઉન્ટમા પાછા અપાવી દીધા છે.