ચૂંટણીની તાલીમમાં ગેરહાજર રહેનાર માંડવી પીજીવીસીએલના એન્જિનિયરની અટકાયત કરાઈ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી મતદાનને હવે ગણતરી દિવસો બાકી છે ત્યારે માંડવી મતક્ષેત્રમાં ચૂંટણી ફરજ સોંપાયા પછી પીજીવીએલના જુનિયર એન્જિનયર ચૂંટણીલક્ષી તાલીમમાં હાજર ન રહેતાં મામલતદારે અટકાયતનું  વોરંટ કાઢ્યું હતું અને અટકાયત કર્યા બાદ એન્જિનિયરે ચૂંટણી ફરજમાં અચૂક હાજર રહેવાની બાહેંધરી આપતાં છોડી દેવાયા હતા.

પીજીવીસીએલના માંડવીના જુનિયર એન્જિનિયર વિશાલકુમાર ગામિતને ચૂંટણી ફરજ સોંપવામાં આવી હોવા છતાં તા.12-11, તા.24-11 અને તા.27-11ના ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહ્યા હતા. ગામિતને ભુજ મત વિભાગમાં પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

તેમ છતાં પણ તેમણે ત્રણેય તાલીમમાં હાજરી ન આપી, મોબાઇલ ફોન પર સંપર્ક સાધતાં સંતોષકારક જવાબ ન આપતાં માંડવી મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી/મામલતદાર દ્વારા વોરંટ કાઢી પોલીસને ગામિતની અટકાયત કરવા આદેશ કરવામાં આવતા પોલીસે અટકાયત. કરી. ત્યાર પછી ગામિતે ચૂંટણી ફરજ પર અચૂક હાજર રહેવાની બાહેંધરી આપતાં તેને છોડી દેવામાં આવ્યો હતો.