કંડલા આવી રહેલી શિપમાં ચાઇનિઝ યુવકનું મોત નીપજયું
કંડલા આવી રહેલા શિપમાં વચ્ચ દરિયે જહાજમાં વેલ્ડિંગ કામ કરી રહેલા 44 વર્ષીય ચાઇનિઝ યુવક ઉપરથી નીચે પટકાતાં તેનું મોત નિપજ્યું હોવાની ઘટના બની હતી. આ ઘટના જહાજ કંડલા પહોંચતાં કંડલા મરિન પોલીસ મથકે નોંધાઇ છે.
આ બાબતે કંડલા મરિન પોલીસ મથકેથી JESE શિપિંગ કંપનીના એજન્ટે આપેલી વિગતો ના આધારે ચાઇનાનો નાગરિક 44 વર્ષીય ચેન ઝીંગકિંગ ચેન મેંગલિન તા.15/11 ના જહાજ વચ્ચ દરિયે હતું ત્યારે શીપમાં વેલ્ડિંગ કામ કરતા સમયે મેઇન હોલમાં પટકાયો હતો જેમાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું.
તા.30/11 ના રોજ જહાજ કંડલા પહોંચતાં એજન્ટ દ્વારા મૃતદેહને રામબાગ લઇ જવાયો હતો. તબીબે કંડલા મરિન પોલીસને જાણ કરતાં LIB શાખાના DYSPને રિપોર્ટ મોકલી મૃતદેહ મુંબઇ મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જહાજ પર ફરજ બજાવતા ક્રુ સભ્યો જ્યારે આવી કોઇ દુર્ઘટનાનો ભોગ બને છે તો આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસારની પ્રક્રિયાઓ હાથ ધરવાની રહે છે.