ભુજમાં પ્રથમ અંગદાન, કે.કે.પટેલ હોસ્પિટલ ખાતે નિહારિકાબેન ઉષાકાંત વ્યાસે અંગદાન કર્યું
ભુજના 67 વર્ષીય નિહારિકાબેન ઉષાકાંત વ્યાસને મંગળવારે સવારે બ્રેઇન હેમરેજ થતાં શહેરની કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે બેભાન અવસ્થામાં હતાં તેમ જણાવતાં કાર્ડિયોલોજીસ્ટ ડો. મીત ઠક્કરે જણાવ્યુ હતું કે, મહિલાની નાજૂક હાલતને જોતાં વેન્ટીલેટર સાથે સારવાર કરાઇ હતી. હેમરેજના પગલે ધબકારા ઘટી જવાથી જરૂરી પરીક્ષણો કરતાં બ્રેઇન ડેડ હોવાનું જણાયું હતું. આ એવી સ્થિતિ છે કે જેમાં કોઇ સુધારો થઇ શકતો નથી. સંજોગો અને દર્દીની હાલતને જોઇને જો અંગદાન કરાય તો કોઇનું જીવન બચી જાય તેમ હોવાનું સારવાર કરતા તબીબની ટીમે જણાયું.
તબીબોએ દર્દીના પુત્ર ઓમકાર તેમજ અન્ય પરિજનો સમક્ષ અંગદાન કરવાની વાત મૂકી જેમાં કુટુંબીઓ સહમત થતાં કામમાં આવી શકે તેવા લિવર, બે કિડની અને આંખના કોર્નિયાને કાઢવા માટે અમદાવાદથી શસ્ત્રક્રિયાના નિષ્ણાત તબીબ સહિતની ટીમને બોલાવાઇ હતી. ગુરૂવારે અમદાવાદ તેમજ સ્થાનિક ડોક્ટર્સની ટીમને તૈનાત રાખી અંગદાન માટેની તમામ તૈયારીઓ શરૂ કરાઇ હતી.
રાત્રે મહિલાની બંને કિડની અને લિવર તેમજ કોર્નિયાને કાઢી લેવાયા હતા અને યુધ્ધના ધોરણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મોકલીને અન્ય એક દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. આ સમગ્ર અભિયાનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સીમા જન કલ્યાણ સમિતિના મોભી તેમજ અંગદાન ક્ષેત્રે અગ્ર હરોળમાં સેવારત દિલિપભાઇ દેશમુખ, ડો. ઋગ્વેદ ઠક્કર, ડો. તેજસ ઠક્કર, ડો. ચિંતન મહેતા, ડો. ભાવિન દત્ત, ડો. વિજય નાવડિયા, પ્રદીપ સિંગાડિયા, લેવા પટેલ ટ્રસ્ટના મનજીભાઇ પીંડોરિયા, કેશરાભાઇ પીંડોરિયા સહિતના સહયોગી બન્યા હતા.