અંજારના કોટડા નજીક બોલેરો ચાલાકને બચાવવા જતાં ટ્રક પલટી:ટ્રક ચાલકનું મોત
અંજાર તાલુકાના કોટડા નજીક રોંગ સાઇડમાં આવી કાવો મારતી બોલેરો ચાલકને બચાવવા જતાં ટ્રક પલટી જતાં ટ્રકના ચાલકનું મૃત્યુ નીપજયું હતું. દુધઇ પોલીસ મથકે રતનાલ રાધમાકૃષ્ણનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર મકનજીભાઇ કાનજીભાઇ છાંગાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમનો ટ્રક ચાલક આણદારામ અનારામ મેહરા મમુઆરાથી પાવડરના કટ્ટા ભરી હિંમતનગર ખાલી કરવા બપોરે 1 વાગ્યાની વેળામાં નિકળ્યો હતો.
અંજાર તાલુકાના કોટડા પાસે રાત્રે પોણા દશ વાગ્યાની વેળામાં તે પહોંચ્યો તે દરમિયાન રોંગ સાઇડમાં પૂરપાટે આવેલા બોલેરો ડાલોના ચાલકે કાવો મારતાં તે બોલેરોને બચાવવા જતાં ટ્રક પલટી ગઈ હતી. આ બનાવમાં ટ્રક ચાલક મુળ રાજસ્થાનના આણદારામ દબાઇ ગયો અને માથામાં ગંભીર ઇજા થઈ હતી.
ટ્રકની કેબિનમાંથી કાઢી તેમને દુધઇ સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર નસીબ થાય તે પૂર્વે તેણે દમ તોડ્યો હતો. મકનજીભાઇએ રોંગ સાઇડ કાવો મારી અકસ્માત સર્જનાર બોલરો ડાલોના ચાલક સામે દુધઇ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદના આધારે દુધઇ પોલીસ મથકના પીએસઆઇ વિરાજસિંહ ભૂપતસિંહ રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.