મુન્દ્રાના સ્વામિનારાયણ મંદિરે શનિવારથી ધનુર્માસ દરમ્યાન ધૂન-ભજનના કાર્યક્રમો યોજાશે
મુન્દ્રા, તા.16: માગસર વદ નોમ અને શનિવારથી ધનુર્માસનો પ્રારંભ થતાં જ મંદિરોમાં વહેલી સવારથી ધૂન – ભજન – કિર્તનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મુન્દ્રાના પારસ નગર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સંખ્યયોગી સામબાઈફુઈની નિશ્રામાં સંતો હરિભકતો દ્વારા ધનુર્માસ નિમિતે દરરોજ સવારે 5:45 વાગે મંગળા આરતી, 6 થી 7 દરમ્યાન ધૂન – ભજન અને 7 વાગ્યે રાજભોગ આરતી કરવામાં આવશે. જેની પૂર્ણાહુતી તા.14મી જાન્યુઆરી, પોષ વદ સાતમને શનિવારે ઉત્તરાયણ – મકરસંક્રાતિના દિવસે કરવામાં આવશે. ત્યારબાદ જ લગ્ન – મકાન આદિના પ્રારંભના માંગલિક કાર્યો કરવામાં આવતા હોય છે.
ધનુર્માસ અંગે વધુ વિગત આપતા મંદિરના પૂજારી કીર્તિભાઈએ જણાવ્યું હતું કે આગામી 18મી ડિસેમ્બરને રવિવારે સાંજે 6 વાગે મહાપૂજા સાથે મહા અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવેલ છે તથા 23 થી 25 ડિસેમ્બર દરમ્યાન દરરોજ સાંજે 6 વાગ્યે ભુજ મંદિરના સંતો દ્વારા સત્સંગ કથાનું રસપાન કરાવવામાં આવશે. તથા 25 ડિસેમ્બર, રવિવારે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેનો સૌ ધર્મપ્રેમી હરિભકતોએ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે. પાટોત્સવના યજમાનપદે પીયૂષભાઈ હસમુખભાઈ શાહ સેવા આપશે તથા સમગ્ર માસ દરમ્યાન ડો. કેશુભાઈ મોરસાણીયા, જયેશભાઇ પટેલ, હિતેશભાઈ પટેલ, રસિકભાઈ પટેલની ટિમ વ્યવસ્થા સંભાળશે એવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


