અંજારના માથકમાં 1.33 કરોડની ખનિજ ચોરી
અંજાર તાલુકાના માથક ગામની સીમમાંથી 51,612.5 મેટ્રિક ટન સાદી માટીનું ઉત્ખનન, વહન કરી સરકારને રૂા. 1,33,70,293નો નાણાકીય નુકશાન પહોચાડ્યું હોવાની ફરિયાદ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
મળતી માહિતી અનુસાર ખનિજ ખાતાની ફલાઇંગ સ્કવોડએ ગત તા. 5-12ના માથકની સર્વે નંબર 378-1ની તપાસ હાથ ધરી હતી.આ દરમ્યાન ત્યાં સાદી માટીનું ખનન, વહન થતું હોવાનું જણાયું હતું. ત્યાં એક મશીન થી 2 ટ્રક નંબર જી.જે. -12 -બી.વી. – 2236, જી.જે. -12-બી.એકસ.-4263માં માટી ભરાઈ રહી હતી. આ બે ટ્રક આદિપુર પોલીસ સ્ટેશન અને મશીન ગામનાં સરપંચના પતિશ્રી વાસણભાઇ ભીમાભાઇ બાવાનીને ત્યાં કસ્ટડીમાં મૂકવામાં આવ્યું હતું. આ અંગે વધુ તપાસ હાથ ધરી મશીનના માલિકના પ્રતિનિધિ તરીકે રાજેશ વી. વાઘમશી ખનિજ ખાતાની ટીમ સમક્ષ હાજર થઇ આ અંગે પૂછવામાં આવતા આ મશીન, વાહનો જગદીશ કુંવરજી બાભણિયાના હોવાનું કહ્યું હતું. રાજેશ વાઘમશીએ જણાવ્યું તેમના કહેવાથી ખનન કરાતું તેમજ આ વાત ગામના સરપંચની જાણમાં હતી અને આ માટી ગામની ગૌશાળામાં પુરાણ કરવા લઇ જવાતી હતી.
આ અંગે સરપંચના પતિ વાસણભાઇ ભીમા બવાએ જણાવ્યુ હતું કે, પંચાયતની મંજૂરીથી ગૌશાળા મધ્યે લેવલિંગ, પુરાણ માટે માટી ઉપાડાતી અને સરપંચને ધ્યાને હોવાનું કહી જ્યાં ખનન થાય છે તે સરકારી પડતર જમીન છે. તેવું આદિપુર પોલીસ મથકમાં દાખલ કરેલ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. આ અંગે ખનિજ વિભાગની ટીમ દ્વારા ગૌશાળામાં તપાસ કરવામાં આવતા ત્યાં માત્ર 148.93 મેટ્રિક ટન સાદીમાટીનું પુરાણ થયું હોવાનું સામે આવ્યું હતું. આમ ખનિજનું ખોદકામ ગેરકાયદે કર્યું હોવાનું ફલિત થતાં જ્યાં ખોદકામ કરાતું હતું તેની માપણી કરવામાં આવતા ત્યાંથી 51,612.5 મેટ્રિક ટન સાદી માટીનું ખોદકામ કરાયું હોવાનું બહાર આવ્યું હતું. ગેરકાયદે ખનિજનું ખોદકામ કરેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયા અનુસાર ગત તા. 29-1-2021નાં અંજાર ગળપાદર માર્ગ પરથી ખનિજ ખાતાએ GJ-12-AT-8921ને બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પરને અટકાવ્યું હતું તેને વે-બ્રિજ બાજુ લઇ જવાતું હતું ત્યારે રાજેશ વાઘમશી કારમાં આવી સરકારી ફરજમાં અડચણરૂપ બની ડમ્પર ચાલકને વાહન મૂકી નાસી જવા કહી સરકારી કામકાજમાં રૂકાવટ પેદા કરી ગુનાહિત કૃત્ય આચર્યું હતું. તો પૂર્વે તા. 2-6-2021ના વીડી-દેવરિયા રોડ ઉપર જીજે-12-bw-5926 ટ્રક ઝડપી કાયદાકીય પગલાં લીધાં હતાં, તે સમયે પણ રાજેશ વાઘમશી ઉર્ફે જીણિયો ત્યાં આવી કર્મચારીઓ સાથે માથાકૂટ કરી ધમકી આપી વાહનચાલકને પોતાની સાથે બેસાડી નાસી ગયો હતો. વાહન માલિક અમૃતલાલ મનજી હડિયાએ જે-તે વખતે તેવી કેફિયત આપી હતી. જે અંગે અંજાર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવેલ છે. આ શખ્સ ગેરકાયદેસર રીતે ખનિજોનું વહન, ખનન કરતો હોવાનું તથા તેમને રોકનાર કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરતો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. રૂા. 1,33,70,293ની ખનિજ ચોરી, વહન કરવાના આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજની મદદનીશ નિયામક, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના ફલાઇંગ સ્કવોડ રોયલ્ટી ઇન્સ્પેકટર ખુશાલીબેન ગરવાએ તુણાના રાજેશ વી. વાઘમશી, શિણાયના જગદીશ કુંવરજી બાંભણિયા અને હરિઓમ અર્થ મૂવર્સ એન્ડ ટ્રાન્સપોર્ટના માલિક અને વાહનચાલકો વિરુદ્ધ આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.