પૂર્વજોની 7 કરોડ જેટલી રમક હડપ કરી જવાનું કાવતરું ઘડાયું : પરિવાર સાથે જ વિશ્વાસઘાત કરતાં 3 વિરુદ્ધ ફરિયાદ
પૂર્વજોની મિલકત હડપ કરી જવના ઈરાદાથી દાદાની મિલકતમાં ભાગ ન આપવા અને મિલકત ટ્રસ્ટમાં જમાં ન કરાવવી પડે માટે કાવતરું ઘડી પોતાના પરિવાર સાથે જ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે.
આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જયેશભાઈ ઉર્ફે જયકિશોર દિલીપભાઇ વીરડા (આહીર)જણાવ્યુ હતું કે, તેઓના પિતાજીના ત્રણ ભાઈઓ છે. તેમના દાદા સ્વ. નારણભાઇ દેવરાજભાઈ આશરે પાંચેક મહિના પહેલા અવસાન પામ્યા છે. દાદા નારણભાઇએ એસ.બી.આઈ. બેંકમાં લૉકર રાખેલ હતું જેમાં દાદાના મિલકતના રૂપિયા સોના ચાંદીના દાગીના તથા નાણાકીય હિસાબની નોંધ અંગેની ડાયરી રાખતા હતા.
સ્વ.નારણજીભાઇએ પોતાની સ્વ કમાઈમાથી પોતાના ત્રણ પુત્ર અને 2 દીકરી એમ પાંચેયને મિલકતમાથી હિસ્સો આપી દીધો હતો. બાકીની તમામ મિલકત માતૃશ્રી શપુરીબેન તથા નારણભાઇ દેવરાજ ટ્રસ્ટ (માંડવી) ખાતે સેવાકીય કારી કરવા માટે ટ્રસ્ટનાં નિયમો અનુસાર આપવાનું હતું. દાદાએ પોતાની હયાતીમાં જણાવ્યુ હતું કે તેમના ગયા પછી પણ કુટુંબને કે એકેય ભાઈઓને તકલીફ નહિ પડે એટલી મિલકત તથા રૂપિયા (આશરે 6 લાખ) મૂકતો જાઉં છુ તેવું વસિયતનામું પણ બનાવેલ હતું. ફરિયાદીના કાકા લલિતભાઈએ કુટુબના સભ્યોની વચ્ચે પોતાના કબાટની ચાવી ફઈને આપેલ અને દાદાના લોકરની ચાવી પોતાની પાસે મિલકત હડપ કરી જવાના ઇરાદે રાખી હતી. દાદાના અવશાન બાદ 23-5ના કુટુંબના સભ્યો સાથે બેન્કના લોકરમાં રહેલ મિલકત ટ્રસ્ટમાં સોપણી કરવા માટે બેન્ક પહોચ્યા ત્યારે કાકાએ બેન્કનું લૉકર ખોલવા જતાં ખૂલ્યું ન હતું. કાકાએ જણાવ્યુ કે ભૂલથી મારી ચાવી ફઈને આપી દીધેલ જ્યારે દાદાના લોકરની ચાવી મારી પાસે જ રહી ગયેલ. કાકાએ પોતાના દીકરા મહેશને ચાવી લેવા ઘરે મોકલ્યો અને ત્યારબાદ લોકર ખોલતા કોઈપણ વસ્તુ નિકડી ન હતી. આ અંગે કાકાને પૂછતા તેમણે જણાવ્યુ કે મે મારુ લોકર ખોલેલ છે આ શિવાય બીજું કઈ ખોલ્યું નથી. અને તેઓ તાત્કાલિક પોતાના દીકરા સાથર બેંકમાથી નિકડી ગયા અને જતાં જતાં કહ્યું કે 20 વર્ષ પહેલાનું ભૂલી ગયા લાગો છો અને ભાગ માંગવા આવશો તો જાનથી મારી નાખીશ. તેમજ તેમના દીકરા ઉતમે જણાવેલ કે થાય તે કરી લેજો ભાગ આજે પણ નહીં મળે અને કાલે પણ નહીં મળે.
આ અંગે પરિવારને કાકા પર વહેમ જતાં બેન્ક મેનેજરને વિનતિ કરી લોકર અંગે તમામ વિગતો આપવા જણાવવાનું કહેતા મેનેજરે કહ્યું હતું કે 24-5 તેમજ 31-5ના લલિતભાઈ નારણભાઇ વીરડાએ ખોલ્યું હોવાનું જણાવ્યુ હતું.લોકરમાં પડેલ તમામ સોનાના આશરે 2 કિલોના દાગીના , ચાંદીના આશરે 5 કિલો દાગીના તેમજ રોકડ રકમ આશરે 6 કરોડ, કીમતી દસ્તાવેજો હિસાબની ડાયરી વગેરે ઉચાપત કરી કુટુંબના સભ્યો તેમજ ટ્રસ્ટ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાથી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી લલિતભાઈ નારણભાઇ વીરડા, ઉત્તમ લલિતભાઈ વીરડા, મહેશ લલિતભાઈ વીરડા આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.