અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ; દિલ્હી-કાશ્મીર સુધી ધ્રુજારી
copy image

અફઘાનિસ્તાનના હિંદૂકુશ ક્ષેત્રમાં શનિવારે સાંજે 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો. જેનો અનુભવ પાકિસ્તાન, ભારતના ઉત્તરી ભાગ, ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેનિસ્તાન સહિત ઘણા દેશોમાં થયો હતો.પ્રાથમિક વિગતો મુજબ રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તર અફઘાનિસ્તાનના કાલાફગાનથી અંદાજીત 81 કિમી દૂર જમીનની સપાટીથી 215 કિમીની ઉંડાઈએ હતું. ભૂકંપનું કેન્દ્ર વધારે ઉંડાણમાં હોવાના કારણે તેનો અનુભવ દૂર સુધી થયો હતો. દિલ્હી-એનસીઆરમાં પણ અમુક સેકન્ડ સુધી ધરતીકંપનો અનુભવ થયો હતો. જો કે આ આફતમાં કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનની તત્કાળ સુચના સામે આવી નહોતી. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર જમીનની સપાટીથી વધારે ઉંડાઈ ભૂકંપના ઝટકા વ્યાપક વિસ્તારમાં અનુભવાય છે. જો કે નુકસાન અપેક્ષાકૃત ઓછું રહેવાની સંભાવના હોય છે. અફઘાનિસ્તાનનો હિંદૂકુશ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ ખુબ જ સંવેદનશીલ છે. જયાં ભારતીય અને યૂરેશિયન ટેક્ટોનિક પ્લેટની ટક્કરના કારણે સતત ભૂકંપ આવતા રહે છે. દિલ્હી ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો અને લોકો ડરીને ઘર અને ઓફિસની બહાર સડક તેમજ ખુલ્લી જગ્યા તરફ ભાગ્યા હતા. જમ્મુ કાશ્મીર પણ ભૂકંપ મામલે સંવેદનશીલ છે અને સમયાંતરે હળવા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ આવતા રહે છે.