લખપતના લાખાપરમાં રામદેવપીરના મંદિરમાંથી 2,50,000ની ચોરી

લાખાપરના રામદેવપીરના મંદિરના દરવાજાનું તાળું તોળી ચોરે 2,50,000ની ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા. આ ઐતિહાસિક મંદિરમાં ચોરી થતાં ભાવિ-ભકતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચોરી અંગે દયાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

દયાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા નારાયણજી માનસંગજી તુંવરે જણાવ્યુ હતું કે, તેઓ આ મંદિરના પૂજારી છે. તા.25-12ના આશરે સાડા નવ વાગ્યાના અરસામા મંદિરના અંદરના મુખ્ય ગેટને લોક કરી ને ઘરે આવ્યા હતા. નિત્યક્રમ અનુસાર બીજા દિવસે સવારે સાત સવાસાત વાગ્યાના અરસામાં તેઓ તેમના નાના ભાઈ સાથે મંદિરમાં પૂજા કરવા પહોચ્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળું ખુલેલ હાલતમાં નજરે પડ્યો હતો. મંદિરની અંદર જઈને તપાસ કરવામાં આવતા મંદિરનો અંદરનો દરવાજો ખુલેલ હતો તેમજ દાનપેટીનું લોક તૂટેલી હાલતમાં હતું અને દાનપેટી ખુલ્લી નજરે પડી હતી. મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવતા મંદિરના સમિતિના સભ્યોને જાણ કરતાં રતનજી રામસંગજી જાડેજા રહે. ખટિયા તા. લખપત, રાતનશીભાઈ પટેલ રહે. ઘડૂલી તા. લખપત , મુલાભાઈ જેઠાભાઇ પરગડુ રહે લખાપર તા. લખપત તથા દેવાજી મેઘરાજીએ આવીને મંદિરમાં તપાસ કરતાં મંદિરમાં રાખેલ પંચધાતુની ઘોડાની જૂની મુર્તિ જેની કિમત.રૂ.1,00,000, મૂર્તિની ઉપર રહેલ ચાંદીનું મોટું છતર કિમત.રૂ.50,000 તેમજ ત્રણ ચાંદીના નાના છતર અને એક મોટું છતર મળી કુલ 4 છ્તરની કિમત.રૂ. 25,000, એક ચાંદીની પેટી કિમત.રૂ.10,000, મુર્તિનો ગળાનો ચાંદીનો હાર કિમત.રૂ.15,000, દાનપેટીમા રહેલા 50,000રોકડા ઉપરાંત મંદિરમાં લગાવેલ સી.સી.ટીવી કેમેરાના વાયર કાપી સી.સીટીવીનો ડી.વી.આર.ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આસપાસ તપાસ કરતાં પગના નિશાનો મળી આવ્યા હતા અને થોડે આગળ નદીમાં તૂટેલી હાલતમાં ડી.વી.આર. મળી આવ્યો હતો. આ અંગે પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.