વાગડમાં ચોરો બન્યા બેફામ: હમીરપરમાં માતાજીનાં મંદિરમાથી 1,97,000ની તસ્કરીને આપ્યો અંજામ
વાગડ વિસ્તારમાં સતત ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારેખીરઈમાં અંબાજી મંદિરમાંથી 1.56 લાખની કીમતના દાગીનાની ચોરીના બનાવના બીજા દિવસે હમીરપરમાં પણ રાત વચ્ચે તસ્કરોએ નાગેશ્વરી માતાજીના મંદિરને નિશાન બનાવીને 1,97,000ની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
આ ચોરી અંગે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જગદીશપુરી ધ્યાનપુરી ગૌસ્વામીએ જણાવ્યુ હતું કે, હમીરપર ગામમાં આવેલ નાગેશ્વરી માતાજીનાં મંદિરમાં છેલ્લા 15 વર્ષથી સેવા પૂજા કરી રહ્યા છે. 25-12ના સાંજના સમયે તેઓ પૂજા આરતી કરી રાત્રિના આશરે નવેક વાગ્યાના અરસામા માતાજીનાં મંદિરને તાળું મારી ઘરે ગયા હતા. બીજા દિવસે 26-12ના નિત્યક્રમ અનુસાર સવારના 6 વાગ્યે મંદિરમાં આવતા દરવાજે લગાવેલ બંને તાળાં જોવા મળ્યા ન હતા. ત્યારબાદ મંદિરના સંચાલક દિલીપસિંહ ખેંગારજી વાઘેલાને તેમજ ગામના સરપંચ ભરતભાઇ દાનાભાઈ પરમાર, જોધાભાઈ રાયમલભાઈ ભરવાડ, ભોજાભાઈ નાયણાભાઈ પટેલ, લક્ષ્મણભાઇ ગોવાભાઇ ઘાયટી તેમજ ભાવેશભાઈ રતિલાલ સોનીને જાણ કરવામાં આવતા બધા સાથે મળી મંદિર અંદર પ્રવેશી તપાસ કરતાં માતાજીની મુર્તિને ચડાવેલ સોના ચાંદીના દાગીના જોવા મળ્યા ન હતા. માતાજીનું ચાંદીનું મુગટ કિમત.રૂ.5,000, સોનાનો હાર કિ.રૂ.90,000, સોનાની નથડી ,સોનાનો ટીકો, સોનાની ડામરની કિ.રૂ.45,000 તેમજ ચાંદીનો હાર કિ.રૂ.2,000, ચાંદીની બુટ્ટી કિ.રૂ.1000, ચાંદીનો નાગ કિ.રૂ.12,500, ચાંદીના 2દિવેલિયા કિ.રૂ.18,000, ચાંદીના 2લોટા કિ.રૂ.6,000, ચાંદીની પંચવટી કિમત.રૂ.12,500 , ચાંદીની હાંસડી કિ.રૂ.5,000 એમ કુલ કિ.રૂ.1,97,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ચોર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.