ભચાઉ પાસે મુખ્ય કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું
કચ્છ શાખા નહેરમાં રવી પાકના વાવેતર માટે પાણી છોડવામાં આવ્યા બાદ સતત અડચણો આવતી રહે છે. ગાગોદર પેટાકેનાલ, વિશાખા કેનાલમાં ગાબડાં બાદ હવે ભચાઉ પાસે મુખ્ય કેનાલની દિવાલમાં મોટું ગાબડું પડયું છે. સદનસીબે સવારે આ ઘટના બહાર આવતા કેનાલમાં પાણીનું લેવલ ઘટાડીને કામગીરી આદરી હતી. પાણીના વહન સાથે ગાબડાં પડવાની ઘટનાની બાબતની ઉંડાણપુર્વકની તપાસ કરવામાં આવે તેવી માંગ ખેડુત વર્ગમાં ઉઠી છે. આ અંગે મળતી વિગતો મુજબ આજે સવારના અરસામાં ભચાઉ પી.એસ. 3થી આગળ સાકંળ 191 પાસે કેનાલમાં ભંગાણ પડયું હતું. જાણકાર સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્ય કેનાલમાં સવારે પડેલા ગાબડાં અંગે નિગમના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પરંતુ બપોર સુધી કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. બપોર બાદ ટપ્પર ડેમ સુધી પાણી પહોંચાડવા માટે પી.એસ 3માં ચાલતા ત્રણ નાના પંપો બંધ કરવામાં આવ્યા હતા અને મેઘપર પાસે આવેલા ઈમરજન્સી ગેટ મારફત અંદાજે 500 કયુસેક જેટલું પાણી રણમાં વહાવી દેવામાં આવ્યું હતું. એક તરફ ગાગોદર પેટા કેનાલમાં પલાંસવા પાસે કેનાલ તોડી પાડવામાં આવી છે. પરંતુ નિગમ દ્વારા 20 કીલોમીટર સુધી પાણી આપી શકાય તેમ હોવા છતાંય 0 કીલોમીટરથી જ કેનાલ બંધ કરવામાં આવી છે. જેના કારણે હજારો એકર જમીનમાં રવિ પાક માટે પીયતની સમસ્યા:ઉભી થઈ છે અને આજે આ ગાબડાંના કારણે જેનાથી હજારો એકરમાં પાણી પીવડાવી શકાય તેટલું પ00 કયુસેક જેટલું પાણી ઈમરજન્સી ગેટ મારફત રણમાં વહેતું કરવું પડયું હતું. સદનસીબે આ ગાબડાંની ખ્યાલ સવારના અરસામાં થઈ જો રાત્રે ગાબડું પડયું હોત તો આસપાસના વિસ્તારમાં ખેતીને મોટી નુકસાની થવાની શકયતા જાણકારોએ વ્યકત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોડકુબા સુધી પાણી પહોંચશે. ત્યારે વધુ પાણીના જથ્થાની વાગડની કેનાલમાં ગાબડાં પડશે તેવી શકયતા અગાઉથી દર્શાવાતી હતી. અગાઉ ભરૂડીયા પાસે મુખ્ય કેનાલ ચાલુ હતી ત્યારે ગાબડું પડયું હતું. આડેસર પાસે ગાગોદર પેટા કેનાલમાં પણ ધરો બંધ કર દેવાથી પાણીનું પ્રમાણ વધતા તુટી પડી હતી. માંડવી પાસે પણ ટેસ્ટીંગ વખતે જ કેનાલ તુટી પડી હતી. ટપ્પર ડેમમાં નર્મદાના નીર પહોંચાડવાના પ્રકલ્પનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કેનાલના કામની નબળી ગુણવતાના કારણે ગાબડાં પડતા અવાર નવાર વિલંબ આવી રહ્યો છે. આ ગાબડાંના સમારકામ માટેની કામગીરી હાલ ચાલુ હોવાનું અને અંદાજે બે થી ત્રણ દિવસ પાણીનું લેવલ ઓછું રહેશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
રિપોર્ટ ભારતી માખીજાણી