300 કરોડ : હેરોઇન સાથે શત્રોની હેરાફેરી
ગુજરાત સમગ્ર ભારત માટે `ડ્રગ્સ’નું કેપીટલ બની રહ્યું હોય તેમ અવારનવાર રાજ્યના દરિયાકાંઠેથી ડ્રગ્સનો મસમોટો જથ્થો પકડાય છે. ત્યારે સોમવારે ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરાયેલા એક સંયુક્ત ઓપરેશનમાં ઓખાના દરિયામાં પાકિસ્તાનથી આવેલી `અલ સોહેલી’ બોટમાંથી અંદાજે રૂા.300 કરોડના મૂલ્યના 40 કિલો ડ્રગ્સ, ઉપરાંત 100 રાઉન્ડનો દારૂગોળો અને છ પિસ્તોલ સહિતનાં હથિયારોના જથ્થા સાથે 10 પાકિસ્તાનીની ધરપકડ કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત એટીએસ અને કોસ્ટગાર્ડને હેરોઈનની સાથે હથિયારોની હેરાફેરી રોકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. કાર્યવાહી સાથે સંકળાયેલ અધિકારીએ જણાવ્યું હતું કે, સંદિગ્ધ જથ્થો પ્રાથમિક રીતે નાર્કોટિકસ ડ્રગ્સ હોવાનું મનાય છે. હવે ફોરેન્સીક તપાસ કરવામાં આવશે. છેલ્લા દોઢ મહિનામાં કોસ્ટગાર્ડ અને એટીએસનું આ 17મું સંયુક્ત ઓપરેશન હતું અને બે દાયકામાં ગુજરાત કાંઠે શત્રો-દારૂગોળો ઝડપાયાનો પહેલો બનાવ છે. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસએ સોમવારે વહેલી સવારે એક સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમામાંથી 10 ક્રુ સભ્ય સાથેની એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી અને તેના પર 40 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો, 25-26 ડિસેમ્બરની મધ્યરાત્રિ દરમિયાન, ચોક્કસ ઈન્ટેલિજન્સ ઈનપુટ પર, ઈંઈઋ વ્યૂહાત્મક રીતે તેના ફાસ્ટ પેટ્રોલ ક્લાસ શિપ અરિંજયને કાલ્પનિક ઈન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઈન (ઈંખઇક)ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યુ હતું. સોમવારે વહેલી સવારે પાકિસ્તાની માછીમારી બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ઈંઈઋ જહાજ દ્વારા પડકારવામાં આવતા, પાકિસ્તાની બોટએ અણધારી દાવપેચ શરૂ કરી દીધી અને ચેતવણીના ગોળીબાર પર પણ તે અટકી ન હતી. અંધકારમાં ઈંઈઋ જહાજે દાવપેચ કરીને બોટને અટકાવી હતી. કોસ્ટગાર્ડના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બોટની વ્યાપક શોધખોળ બાદ, કેટલાક હથિયારો, દારૂગોળો અને આશરે 40 કિલો માદક દ્રવ્ય, જેની કિંમત આશરે 300 કરોડ રૂપિયા છે. તે મળી આવતા તમામ માલસામાન સાથે 10 સભ્યની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે ઓખા લાવવામાં આવી રહી છે. આ ડ્રગ્સની કોને ડિલિવરી કરવાની હતી, અગાઉ કોઈ જથ્થો ડિલિવર કર્યો છે કે કેમ? તે સહિતના સવાલોના જવાબ મેળવવામાં આવશે.
રિપોર્ટ ભારતી માખીજાણી