ઓરિસ્સાથી લીધેલો ગાંજાનો જથ્થો ગોંડલમાં વેચે તે પૂર્વે એસઓજીએ ત્રણને ઝડપી લીધા

ગોંડલમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેથી એસઓજીની ટીમે ટ્રકમાંથી રૂ.૨.૫૦ લાખની કિંમતનો ૨૫ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો.ગાંજાના આ જથ્થા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસની પ્રાથમિક પુછપરછમાં ગોંડલ અને કોટડાસાંગાણીના શખસ ઓરિસ્સાથી ગાંજો લાવ્યા હતાં.બાદમાં બગોદરાથી પિતરાઇ ભાઇની ટ્રકમાં બેસી અહીં ગોંડલ પહોંચી માલ સગેવગે કરે તે પૂર્વે જ ઝપટે ચડી ગયા હતાં.આ ત્રિપુટી કેટલા સમયથી નશાના કારોબારમાં સક્રીય છે તેમજ આ કારોબારમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ? સહિતના મુદે પોલીસ તપાસ ચલાવી રહી છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પીઆઇ કે.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા કે.એમ.ચાવડા અને ટીમ ગોંડલ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન એવી હકિકત મળી હતી કે, ત્રણ શખસો હાલ ગોંડલ બી.એસ.એન.એલ. ઓફીસના પાછળભાગે આવેલ એચ.એચ. રોડવેઝની ઓફીસ પાસે ઉભા છે અને એચ.એચ. રોડવેઝની માલવાહક ટ્રક નં.જીજે-૦૩-એએકસ-૮૨૨૨ માં માદક પદાર્થનો જથ્થો રાખી તેની લેતી દેતી હેરફેર કરવાની તૈયારીમાં છે.

આ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી ટ્રક જેના રજી નં.જીજે-૦૩-એએકસ-૮૨૨૨ વાળા માલવાહક ટ્રકમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨૫ કિલો ગ્રામ જેની કિ.રૂ.૨,૫૦,૦૦૦ ઝડપી પાડયો હતો.

પોલીસે ગાંજાનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂ.૭.૬૦ લાખનો મુદામાલ કબજે કરી આરોપીઓ અસલમ રહીમભાઇ રીંદ (ઉ.વ.૩૦ રહે.ગોંડલ),ઇમરાન હારૂનભાઇ બાલાપરીયા ઉ.વ.૪૦ રહે.ગોંડલ)સજાદહુસેન જમાલભાઇ રીંદ (ઉ.વ.૨૫ રહે.કોટડાસાંગાણી) સામે ગોંડલ સિટી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ઇમરાન અને સજાદહુશેન ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હતા.આરોપી અસલમ જે એચ.એચ.રોડવેઝનો ટ્રક ચલાવતો હોય તે અમદાવાદ માલ ઉતારવા માટે ગયો હતો.પરત ફરતા સમયે તેણે પિતરાઇ ભાઇ ઇમરાન અને સાજાદને બગોદરાથી ટ્રકમાં બેસાડયા હતાં.પોલીસની પુછપરછમાં પ્રથમ વખત જ ગાંજો લાવ્યા હોવાનું આરોપીઓએ રટણ કર્યું હતું.આરોપીની રટણ સાચું છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

રિપોર્ટ ભારતી માખીજાણી