વરસામેડી સીમમાં ગેસના 26 બાટલા સાથે દુકાનદાર ઝડપાયો

અંજાર તાલુકાના વરસામેડી તરફ જતા રોડ પર વેલસ્પન કંપનીના ખુણા પાસે હઝરત રૂકનશા પીરની દરગાહની સામે અરીહંત કોમ્પ્લેક્ષમાં પોલીસે દરોડો પાડીને ખાલી તેમજ ભરેલ 26 ગેસના બાટલા સાથે દુકાનદારની અટક કરી લીધી હતી. અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આજે બપોરના 3:30 વાગ્યાના અરસામાં પૂર્વ કચ્છ એસઓજીની ટીમે છાપો માર્યો હતો. કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર 27માં આવેલ રાજ ગેસ વર્કસમાં તપાસ કરાતા અલગ અલગ કંપનીના ખાલી તેમજ ભરેલા 26 ગેસના બાટલા મળી આવ્યા હતા. પોલીસે દુકાનદાર મુર્તુઝા ફકરૂદીન વોરા રહે, મેઘપર બોરીચી પાસે આધાર પુરાવાની માંગણી કરતા કોઈ પ્રતિભાવ સાંપડયો ન હતો. જેથી મોબાઈલ, બાટલા સહિત 86,650ના મુદામાલ સાથે તેની અટક કરી લીધી હતી. આરોપીની પુછતાછમાં ઈન્ડેન કંપનીના બાટલા ભીમાસર ગામે રહેતો ગોવિંદ આહિર આપી ગયો હતો અને પોતે વધુ કિંમતે તેનુ વેચાણ કરતો હોવાનુ જણાવ્યું હતુ. આરોપીએ સલામતી જોખમાય તેવુ કૃત્ય કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

   આ કામગીરી એસ.ઓ.જી. પી.આઇ એસ એન ગડુ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ