લાખાડીની સીમમાં સીઝ કરેલા બોક્સાઇટના જથ્થામાંથી તસ્કરી
નખત્રાણાના લાખાડીની સીમમાં 2008માં મીના એજન્સી લિમિટેડ કંપનીનો આશરે 5000 ટન જેટલો માલ નખત્રાણાના નાયબ કલેકટર દ્વારા સીઝ કરી દેવામાં આવ્યો હતો. આ બોકસાઇટના જથ્થામાથી ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાવતાં અશોક ડોસાભાઈ ભુવાએ જણાવ્યુ હતું કે, તેઓ આ પ્લોટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. 24-11ના વહેલી સવારે પ્લોટ પર આંટો મારવા આવ્યા તે દરમિયાન વાહનોના ટાયરોના નિશાનો જોવા મળ્યા હતા. મીના એજન્સીના અધિકારી મનીષ મહેતા અને મુકેશ આશરને ફોન દ્વારા જાણ કરતાં તેમણે વોચમાં રહેવાનુ જણાવ્યુ હતું. ગઈ કાલે વહેલી સવારના પોણા ચારેક વાગ્યાના અરશામાં અશોકભાઈ આંટો મારવા આવતા એક ટ્રક અને જેસીબી બોકસાઈટ ભરતા નજરે પડ્યા હતા અને બાજુમાં સફેદ કલરની નંબર વગરની એક હ્યુડાઈ કંપનીની વેન્યુ ગાડી ઊભી જોવા મળી હતી. ફરિયાદી અશોકભાઈ એકલા હોવાથી તેમણે પોતાના ભાઈ રવજીભાઇ ડોસાભાઈને ઘટના સ્થળ પર બોલાવ્યા હતા. બંને ભાઈ ટ્રક તરફ નજીક જતાં ટ્રક અને જેસીબીના ડ્રાઈવરો ટ્રક અને જેસીબી મૂકીને બાજુમાં ઉબેલ સફેદ કલરની નંબર પ્લેટ વગરની હ્યુડાઈ વેન્યુ ગાડી લઈને નાસી ગયા હતા. GJ-25-U-9793ટ્રકમાં તપાસ કરતા આશરે 20 ટન કિમત રૂ. 100000 જેટલો બોકસાઈટ ભરી લેવાયો હતો. કંપનીના અધિકારી સાથે આવી અશોકભાઈએ નખત્રાણા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.