ટ્રક ચાલકે આઈ.જી.પી.શ્રીના બંગલા પાસે ટ્રક અથડાવતા અકસ્માત સર્જાયો: સદભાગ્યે કોઈ જાનહાની નહિ
ટ્રક ચાલકે પોતાના કબ્જાનું ટ્રક પૂરઝડપે બેકારકારીથી ચલાવી આઈ.જી.પી.શ્રીના સરકારી બંગલાના મેઈન ગેટ પાસે આગળના ભાગે રહેલ તોપ તથા લાઈટો સાથે ભટકાવી મેઈન ગેટની દીવાલ સાથે અથડાવતા આશરે કિમત.રૂ. 1,50,000નું નુકશાન થયું હતું. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
આ અકસ્માત અંગે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જીગરભાઈ પરબતભાઈ મકવાણાએ જણાવ્યુ હતું કે, તેઓ આઈ.જી.પી.શ્રીના સરકારી બંગલા ઉપર છેલ્લા છએક મહિનાથી નાઈટ પીકેટ ગાર્ડમાં પોલીસ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તા.27-12ના રોજ તેઓ આઈ.જી.પી.ના બંગલામાં ફરજ પર હતા તે દરમિયાન રાત્રે 11 વાગ્યાના અરસામાં ભુજથી આર.ટી.ઓ. તરફ જતાં રસ્તા તરફથી એક GJ-12-BW-0776 ટ્રક પૂર ઝડપે રિવેસમાં આવેલ અને રોડની વચ્ચે રહેલ ડીવાયડર સાથે ભટકાઈ આઈ.જી.પી.શ્રીના બંગલાના મેઈન ગેટ આગળ રહેલ તોપ તથા આગળના ભાગે રહેલ લાઈટો સાથે ભટકાઈ મેઈન ગેટની દીવાલ સાથે અથડાઇ ગઈ હતી. આ અકસ્માતમાં 1,50,000નું નુકશાન થયું હતું. પોલીસે પબાભાઈ ગાભાભાઈ રબારી ઉ.વ.27 રહે. હરુડી તા. લખપતવાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.