પરિણીતાને જીવતી સળગાવી દેવાનાં ચકચારી કેસમાં ગાંધીધામ સેશન્સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો
ગાંધીધામ શહેરનાં કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં દોઢેક વર્ષ અગાઉ પરિણીતાને પકડી રાખી તેને સળગાવી દઇને હત્યા કરાયાના પ્રકરણમાં અહીંની કોર્ટે આજીવન સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ બનાવની વિગતો એવી છે કે, બનાવ તા. ૬ જાન્યુ. ૨૦૨૧ના રોજ બન્યો હતો જેમાં ફરિયાદી સંજય ચોકીન નટની ૩૦ વર્ષીય પત્ની તેજલબેન સાથે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી તકરાર કરી તેજલબેનને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપી વિનોદ ચોકીન નટ, હિતેષ વિનોદ નટે ફરિયાદી સંજય ચોકીન નટને પકડી રાખ્યો હતો. અફ્સાના હિતેષ નટ તથા પંપાબેન પ્રકાશ નટ એ તેજલબેનને પકડી રાખી પ્રકાશ મેમર ઉર્ફે મહેન્દ્ર નટે તેજલબેન ઉપર કેરોસીન છાંટી તેજલબેનને કીશન ઉર્ફ મેમર ઉર્ફે મહેન્દ્ર નટએ દિવાસળી ચાંપી મોત નિપજાવાની કોશીશ કરી હતી. જેમા ફરિયાદીની પત્ની તેજલબેન સારવાર દરમ્યાન તા.૧૨ જાન્યુ.૨૦૨૧ ના રોજ મૃત્યુ પામ્યા હતા ત્યાર બાદ પોલિસે આ કામે તપાસ કરી આરોપીઓ વિનોદ ચોકીન નટ, હિતેષ વિનોદ નટ, કીશન ઉર્ફ મેમર ઉર્ફે મહેન્દ્ર નટ, પ્રકાશ મેમર ઉર્ફે મહેન્દ્ર નટની ધરપકડ કરી હતી. જેમાથી અફ્સાના હિતેષ નટ તથા પંપાબેન પ્રકાશ નટ આજ દિવસ સુધી નાસતી ભાગતી ફરે છે. આ કેસ ગાંધીધામ એડી.સેસન્સ જજ એમ.જે.પરાસરની કોર્ટ સમક્ષ ચાલતા કેસમા સરકાર તરફે સાહેદો તથા દસ્તાવેજી આધારો અને મેડીક્લના પુરાવાઓને ગ્રાહ્ય રાખી, સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર.જાડેજાની ધારદાર દલીલો બાદ હત્યાના કેસના આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન સખત કારાવાસની સજા ફટકારી તથા રૂ. ૧૦ હજારનો ચૂકવવા તથા દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદનો આદેશ કરી ધાક બેસતો ચુકાદો સંભળાવ્યો હતો.