કિડાણામાં યુવક પર અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી ઘાતકી હુમલો કરાયો
કિડાણામાં પૂર્વે થયેલ બોલાચાલીનું મનદુખ રાખી એક શખ્સે યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ ઘટનામાં યુવકને આંતરડા બહાર આવી જવા જેવી ગંભીર ઇજાઓ પહોચી હતી.
આ અંગે ફરિયાદ નોંધાવતાં શ્રુતેશ દિનેશભાઇ બારોટે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.1-1ના બપોએ આશરે ત્રણેક વાગ્યાના અરશામાં જગદંબા સોસાયટીમાં પોતાના મિત્ર સુમિતના ઘરે ગયો હતો. ફરિયાદી, સુમિત તથા જીતેન્દ્ર ઉર્ફે મહીન ટીવી જોઈ રહ્યા હતા. તે સમય દરમિયાન સુમિતની બાજુમાં રહેનાર અશોકગીરી સુખગીરી ગૌસ્વામી ફરિયાદીને સુમિતના ઘરે જોઈ જતાં અહી કેમ આવ્યો છે એવું કહી પૂર્વે થયેલા ઝગડાનું મનદુખ રાખી બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી અશોકગીરી ઉશ્કેરાઈ જઇ ભેઠમાં રહેલ છરી કાઢી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે પેટના ડાબા પડખે મારી દીધી હતી. આ ઘટના દરમિયાન ફરિયાદીના મિત્રો વચ્ચે પડતાં આ આરોપી જતો રહ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ફરિયાદીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે આંતરડા બહાર આવી ગયા હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આરોપી અશોકગીરી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.