અંજારમાં વેપારીએ પોતાના ભાઈની સારવાર અર્થે 3 શખ્સો પાસેથી ઉંચા વ્યાજના દરે નાણાં લીધા હતા. આ નાણાં વ્યાજ સહિત પરત કરવા છતાં પણ વ્યાજખોરોએ ચેક બાઉન્સ કરાવવાની ધમકીઓ આપી , જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતાં ભાવેશભાઈ રાજાભાઈ વાઢેરે જણાવ્યુ હતું કે, તેમના મોટા ભાઈને લીવર પ્રોબ્લેમ થઈ હોવાથી તેમની સારવાર અર્થે ફરિયાદીએ એક વર્ષ પહેલા રાણાભાઈ આહીર (રહે. અંજાર) પાસેથી એક લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા અને સિક્યુરીટી પેટે એચડી એફસી બેંકના બે કોરા ચેક સહી કરેલા આપ્યા હતા. થોડા થોડા કરીને ફરિયાદીએ રૂ.1.30 લાખ રોકડા તેમજ ઓનલાઇન ચૂકવી આપ્યા હતા.ઉપરાંત ફરિયાદીએ અંજારના કપિલ પટેલ પાસેથી એક લાખ ત્રીસ હજાર રૂપિયા 40 ટકાના દરે વ્યાજે લીધા હતા. જેની સિક્યુરીટી પેટે 2 ચેક આપેલ હતા. ફરિયાદીએ તેમને પણ થોડા થોડા કરી વ્યાજ સહિત 2 લાખ 59 હજાર રોકડા તથા ઓનલાઈન ચુકવી આપ્યા હતા. તો ખેડોઇના ઇન્દ્રસિંહ ઉર્ફે બબાભાઇ જાડેજા પાસેથી તેમણે રૂ.1 લાખ 80 હજાર લીધા હતા. સિક્યુરીટી પેટે પાંચ કોરા ચેક સહી કરેલા આપ્યા હતા. તેમને રૂ.1 લાખ 36 હજાર વ્યાજ સહિત ચૂકવ્યા છે પરંતુ આ ત્રણે શખ્સો ફરિયાદીની ઓફિસે આવી પઠાણી ઉઘરાણી કરે છે, ચેક બાઉન્સ કરાવે છે અને ચેક બાઉન્સ કરાવવાની ધમકી આપે છે. તેમજ અમારા રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખશુ તેવી ધમકીઓ આપે છે. ફરિયાદીએ અગાઉ 21-12ના આ બાબતે અરજી કરી હતી પરંતુ સમાધાનની વાત ચાલતી હતી, સમાધાન ન થતાં ફરિયાદ નોધાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.