રાપરના વણોઈવાંઢમાં બે બાઈક સામ-સામે અથડાતાં અકસ્માત સર્જાયો

આ અકસ્માત અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોપટભાઈ અરજણભાઇ કોલીએ જણાવ્યુ હતું કે, તેઓ 1-1ના સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના દીકરા ભાવેશ સાથે પોતાની માલીકીની GJ-12-DN-7125 બાઈકથી ગામમાં સીમમાં આવેલ વાડીએ જઈ રહ્યા હતા. આ દરમિયાન પોણા આઠેક વાગ્યાના અરસામાં કેનાલ પાસે પહોચતા સામેથી આવી રહેલા GJ-12-EM-0598ના બાઈક ચાલકે બાઈક પૂરઝડપે ચલાવી સામે આવી રહેલા બાઈક સાથે અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઈક ચાલક રોડ પર પટકાઈ જતાં બંને બાઈકના ચાલક અને સવાર એમ ચારેય લોકોને ઇજાઓ પહોચી હતી. ફરિયાદીના દીકરાને સારવાર અર્થે રાપર શુભમ હોસ્પીટલમાં અને ત્યારવાદ વધુ સારવાર માટે ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ભાવેશને બંને જડબામાં ફેકચર તથા શરીરે સામાન્ય ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.