રાપરના ખાંડેકમાં પશુઓને પાણી પીવડાવવા મામલે યુવકને મારમરાતા ફરિયાદ નોંધાઈ
રાપર તાલુકાનાં ખાંડેકમાં રહેતા જીવણભાઇ ખેંગાભાઈ રબારીએ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ પશુપાલનનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. તેઓ તા. 2-1ના સાંજના છ વાગ્યાના અરશામાં પોતાના ઘેટાં-બકરા લઈને હમીરપર ગામની સીમમાં ડેર વિસ્તારમાં આવેલ ખાણમાં ઘેટાં-બકારને પાણી પીવડાવી રહ્યા હતા એ દરમિયાન તેમના જ ગામના નોંઘા વજેરામ મારાજ તથા તેમનો દીકરો દશુ નોંઘા મારાજ આવેલ અને ફરિયાદીને કહેવા લાગ્યા હતા કે, તું શું કામ અહિયાં ઘેટાં-બકરાને પાણી પીવડાવે છે આ મારી ખાણ છે. તેવું કહી આરોપી નોંઘાભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગ્યા જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા નોઘાભાઈએ પોતાના હાથમાં રહેલું ધારિયું ફરિયાદીને ડાબા પગમાં ઊંધું મારતા ફરિયાદી નીચે પડી ગયા હતા. તો દશુએ લાકડી વડે હાથના તથા પીઠના ભાગે મારી ઇજાઓ પહોચાડી હતી. આરોપીઓ જતાં જતાં ધમકી આપી હતી કે આ વખતે બચી ગયો હવે પછી તારા ઘેટાં-બકરાને લઈને આ બાજુ દેખાયો તો જાનથી મારી નાખીશું.ફરિયાદીને સારવાર અર્થે પલાસવા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે સામખિયારી માતૃ-સ્પર્સ હોસ્પિટલ રીફર કરાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે પગના, પીઠના તથા ડાબા હાથે મુંઢ માર જેવી ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.