રાપર ખાતે મહિલા સ્વરોજગાર મેળાનું સફળ આયોજન

કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે ના માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાના પ્રમુખશ્રી ચાંદભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને તા. ૦૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રાપર ખાતે “મહિલા સ્વરોજગાર મેળા” નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું ભેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાપર નગરપાલિકાના પ્રમુખશ્રી ચાંદભાઈ ઠક્કર, દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારીશ્રી નરપતસિંહ સોઢા, રાપર નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી બબીબેન સોલંકી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રી ભારતીબા સોઢા, RSETIના મેનેજિંગ ડિરેક્ટરશ્રી મિલાપભાઈ વૈષ્ણવ, નગરપાલિકાના દંડકશ્રી હસુમતીબેન, ઈશાર સંસ્થામાંથી પધારેલ સેજલબેન જોષી તેમજ શ્રદ્ધા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી મીતાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભિક સંબોધનમાં દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારીશ્રી નરપતસિંહ સોઢા દ્વારા મહિલા સ્વરોજગાર મેળાના હેતુ અને તેના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા અને સ્વરોજગાર તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રી ભારતીબા સોઢાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં મહિલાઓ ખેતી, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, વેપાર તેમજ અન્ય અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક પોતાનું યોગદાન આપી રહી છે. મહિલાઓને સ્વરોજગારના વિવિધ અવસરોનો લાભ લઈ આત્મનિર્ભર બનવા અનુરોધ કરતાં જણાવ્યું કે, “સશક્ત મહિલા, સમૃદ્ધ પરિવાર અને વિકસિત ભારતનો મજબૂત આધાર છે.” RSETIના મેનેજિંગ ડિરેક્ટરશ્રી મિલાપભાઈ વૈષ્ણવ દ્વારા મુખ્ય તાલીમો જેમ કે, સીવણ અને ફેશન ડિઝાઇનિંગ, બ્યુટી પાર્લર અને બ્યુટિશિયન કોર્સ, જેવા ગૃહ ઉદ્યોગ, અન્ય નાના ઉદ્યોગોની માહિતી આપવામાં આવેલ. સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીધામના કેન્દ્ર સંચાલક શ્રી ખુશ્બુબેન કાતરિયા દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાકીય અને પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલ. આ મેળાનો મુખ્ય હેતુ મહિલાઓને એક જ સ્થળે સ્વરોજગાર અને ર જગારની તકો ઉપલબ્ધ કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા ભરતગુથણ, દોરીવર્ક, બાંધણી સહિત ઘરેથી કરી શકાય તેવા વ્યવસાયોની માહિતી આપી મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરવામાં આવી. વધુમાં, ૦ થી ૬ મહિનાની દીકરીઓને “દીકરી વધામણા કીટ” આપવામાં આવેલ તેમજ “વ્હાલી દીકરી યોજના”ના મંજુરી હુકમ આપવામાં આવેલ. ગંગા સ્વરૂપ આર્થિક સહાયના લાભાર્થી બહેનોને મંજુરી હુકમ આપવામાં આવેલ. ઉપરાંત ધોરણ – ૯ થી ૧૨માં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ દીકરીઓને એજ્યુકેશન કીટ આપી સન્માનિત કરવામાં આવેલ.કાર્યક્રમના અંતે શ્રદ્ધા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી મીતાબેન ગોર દ્વારા આભારવિધિ કરવામાંઆવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી ભાવનાબેન ગરવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. “મહિલા સ્વરોજગાર મેળા”ને સફળ બનાવવા માટે પૂજાબેન પરમાર, દીપ્તીબેન ઠક્કર, નીતાબેન આહીર, હીનાબેન ડોબરિયા, ઉજાલાબેન સોલંકી તથા જીગરભાઈ જેપાર સહિતની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.