સિનુગ્રામાં 2 શખ્સોએ યુવકને લોખંડના પાઇપવડે માર-મારતા ફરિયાદ નોંધાઈ

અંજારના સિનુગ્રામાં ભત્રીજાને માર-મારતા શખ્સને સમજાવવા જતા 2 શખ્સોએ ગાળો આપી ફરિયાદીને લોખંડના પાઇપ વડે માર મારી, મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં કાંતિલાલ જેરામભાઈ વાઘમશીએ જણાવ્યુ હતું કે, 4-1ના તેઓ બપોરના આશરે બે વાગ્યે સિનુગ્રા વાડી વિસ્તારમાં હતા તે દરમિયાન ફરિયાદીના પત્નીનો ફોન આવેલ અને તેણે જણાવ્યુ હતું કે ભત્રીજા અક્ષયને ગામમાં કોઈએ માર મારેલ છે.ઘરે જતાં શામજી ભાઈએ જણાવ્યુ હતું કે કાસમ અબડાના દીકરા સકીલે માર માર્યો છે. અક્ષય કરિયાણું લેવા ગયો હતો ત્યારે ગામમાં ગોળાઈ પર એક્ટિવાથી ટર્ન મારેલ તે સમયે બીજી બાજુથી બાઇક ચાલકે પણ ટર્ન માર્યો ત્યારે એક્ટિવા પડી જતાં આ બાઈકના ચાલકે અક્ષયને માર માર્યો હતો તેમજ સવારના પણ અક્ષય અને ફરિયાદીની દીકરી અંજલિ ચક્કીએ ગયા હતા ત્યારે આ બાઇક ચાલકે ફરીથી અક્ષયને માર માર્યો હતો.આથી ફરિયાદી અને ફરિયાદીના ભાઈ શામજીભાઈ તથા હિતેશભાઈ રાતનશીભાઈ કાતરીયા આશરે સવા બે વાગ્યે કાસમ અબડાના ઘરે સમજાવવા જતાં શકીલ અને તેના મમ્મી બહાર આવ્યા હતા. તે દરમિયાન ફરિયાદી અક્ષયને શું કામ માર્યું તેવી વાત કરી રહ્યા હતા તે દરમિયાન બોલાચાલી થતાં શકીલ તથા તેના ભાઈએ ગાળો આપી હતી ઉપરાંત શકીલે લોખંડનો પાઇપ ફરિયાદીને માથામાં માર્યો હતો. શકીલના ભાઈ સોહિલે ફરિયાદીના ભાઈ શામજીભાઈ પર પાવડા વડે હુમલો કરતાં ફરિયાદીના ભાઈએ પાવડો પકડી લીધો હતો. ફરિયાદી ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે શકીલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીને સારવાર અર્થે અંજાર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.