આદિપુરની 14.39 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : બેની અટક

આદિપુરમાં 3-એ વિસ્તારમાં સાડા ચાર મહિના અગાઉ થયેલી રૂા. 14,39,000ની ઘરફોડ ચોરીના બે આરોપીને સ્થાનિક પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 20,325 હસ્તગત કરવામાં આવ્યા હતા.આદિપુરના 3-એ વિસ્તારમાં મકાન નંબર 144માં રહેતા તથા શિપિંગનો વ્યવસાય કરતા ઉમેશ નેનવાણીના બંધ મકાનમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. આ ફરિયાદી પોતાના પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. પાછળથી તા. 12/8થી 13/8 દરમ્યાન તેમના બંધ મકાનમાં તેમના જ ચોકીદારે પોતાના સાગરીતો સાથે ખાતર પાડયું હતું. ફરિયાદી રાજસ્થાનથી પરત આવી ઘરમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસ કરતાં પોતાના ચોકીદાર ધર્મબહાદુર ઉર્ફે ભરત દાનબહાદુર શાહી, તેનો સાઢુ યોગેશ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ આ બનાવને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ ચારેય વિરુદ્ધ રૂા. 14,39,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી આ શખ્સો પોલીસના હાથમાં આવતા નહોતા. દરમ્યાન આ શખ્સો પૈકી ધર્મબહાદુર ઉર્ફે ભરત તથા નેત્રાબહાદુર ઉર્ફે દિનેશ દાન બહારદુર શાહી વાપી હોવાનું બહાર આવતાં સ્થાનિક પોલીસની એક ટીમ ત્યાં ધસી ગઈ હતી અને આ બંને શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી હાલમાં રોકડ રૂા. 20,325 કબજે કરવામાં આવ્યા હતા. આ બંનેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કામગીરીમાં પી.એસ.આઈ. બી.વી. ચૂડાસમા, સ્ટાફના સંગીતાબેન, રાજેન્દ્રસિંહ, વનરાજસિંહ, રાજુભાઈ, ધર્મેન્દ્રસિંહ, દિનેશભાઈ, ભરતભાઈ, વિક્રમસિંહ, હરદેવસિંહ, મહેશભાઈ, અમરતભાઈ વગેરે જોડાયા હતા.