બાલાજી વેફર્સના ગોડાઉનમાં ચોકીદારને બંધક બનાવી રૂ.1.95 લાખની લૂંટ

► માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે બનાવ

► મોડી રાત્રે ત્રણ લુંટારૂ આવ્યા બાદ નિંદ્રાધીન ચોકીદારને છરી બતાવી મોઢે ડૂંમો દઈ રોકડ લૂંટી ધમકી આપી નાસી ગયા

રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે.ત્યારે રાજકોટમાં અગાઉ નિર્મલા રોડ પર મકાનમાં ઘુસી લોહાણા અગ્રણીના પુત્રવધુ પર હુમલો કરી એક શખ્સે રૂ.65 હજારના કંગન લૂંટી ફરાર થયો હતો.આ ગુન્હાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં રાજકોટની માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રોડ પર આવેલું બાલાજી વેફર્સના ગોડાઉનમાં મોડી રાત્રે આવેલા લૂંટારુંઓએ ચોકીદારને બંધક બનાવી રૂ.1.95 લાખની રોકડ લૂંટી નાસી ગયા હતા.આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

► એજન્સીના માલીકે પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ,ડીસીપી ક્રાઇમ અને ક્રાઇમબ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

વધુ વિગતો મુજબ,માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે સર્વિસ રોડ પર આવેલું બાલાજી વેફર્સના ગોડાઉનમાં મોડીરાત્રે એકાદ વાગ્યે ત્રણ અજાણ્યા લૂંટારુંઓ ત્રાટકયા હતા અને તેઓએ નિંદ્રાધીન અવસ્થામાં રહેલા ચોકીદાર પુનાભાઈને છરી બતાવી મફલરથી મૂંગો દઈ બંધક બનાવી ગોડાઉનમાં આમતેમ ઓફિસ ફંફોડી હતી અને ટેબલના ખાનામાં રાખેલા રૂ.1.95 લાખની રોકડ લઈ આરોપીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટના અંગે પુનાભાઈએ આજે સવારે એજન્સીના કલ્પેશભાઈ અમરેલીયાને ફોન કરી બનાવની જાણ કરી હતી.કલ્પેશએ ગોડાઉન પર પહોંચી પુનાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે,ત્રણેય શખ્સોએ આવી મને જગાડી અને ચાવી માંગી હતી.બાદમાં એક વ્યક્તિએ મફલર બાંધી મૂંગો દઈ લીધો હતો.

► ગોડાઉનના સીસીટીવી ફુટેઝ અને મુખ્ય માર્ગોના કેમેરા તપાસ કરાયા:ત્રણેય શખ્સો બુકાની બાંધી આવ્યા હતા

બાકીના બે વ્યક્તિ ગોડાઉનના ઉપરના માળે પહોંચી રોકડ લઈ લીધા બાદ નાસી ગયા હતા.આ તમામની ઉમર 20થી 30 વર્ષ સુધીની જોવાનો અંદાજ છે.તેઓ ગુજરાતીમાં વાત કરતા હતા.તેઓ લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ આજે સવારે પોલીસમાં કરતા ગાંધીગ્રામ પોલીસના પીઆઇ રાણે,પીએસઆઈ જનકસિંહ રાણા અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.તેમજ તેઓએ અલગ અલગ ટીમોએ બનાવી સીસીટીવી ફુટેઝ મેળવી તજવીજ આદરી છે.