મુન્દ્રામાં યુવક પર છરી વડે હુમલો કરાયો
મુન્દ્રામાં યુવકને મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના મુન્દ્રા પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદી અમિત વિષ્ણુ ભાર્ગવે ફરિયાદમાં જણાવ્યુ અનુસાર તેઓ પોતાના કાકા તથા માતા સાથે મુન્દ્રા નદી નાકા બજારમાં ખરીદી કરવા ગયા હતા. આ દરમિયાન સામેથી આવતા 2 શખ્સ માથી એક શખ્સ ફરિયાદીના માતા સાથે ભટકાતાં ફરિયાદીના માતાએ તેને જોઈને ચાલવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો અને બોલાચાલી કરી હતી. તેથી ફરિયાદીએ આરોપીને પકડી જોઈને ચાલવાનું કહેતા તેને ફરિયાદી સાથે ઝપા-ઝપી કરી ગાળો આપી અને નેફામાથી છરી કાઢી ફરિયાદીને ગરદન પાસે ઝીંકી દીધી હતી. રાડારાડી થતાં લોકો એકત્ર થઈ જતાં આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ ફરિયાદીના કાકાને જાણવા મળ્યું હતું કે છરી મારનાર વ્યક્તિ મુન્ના જતનો છોકરો નવાઝ છે. ફરિયાદીને ઈજાઓ પહોચી હોવાથી સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગણો નોંધી તપાસ હાથ ધરી છે.