સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપની કાર્યશાળા યોજાઈ*

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે તેમની જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ રાષ્ટ્રવ્યાપી અભિયાનને કચ્છ જિલ્લામાં સફળતાપૂર્વક સાકાર કરવા માટેની તૈયારીઓના ભાગરૂપે આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ એક કાર્યશાળા યોજાઈ હતી.
કાર્યક્રમના આરંભે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પદેથી શરૂ કરીને પ્રધાનમંત્રી પદ સુધીની નરેન્દ્રભાઈ મોદીજીની સફર ‘જનસેવા એ જ પ્રભુસેવા’ ના સિદ્ધાંતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ૨૫ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે યોજાનાર સેવા સંકલ્પ અભિયાન દ્વારા અંત્યોદયના વિચારને પ્રેરતી આપણી કલ્યાણકારી યોજનાઓને ધરાતલ સુધી પહોંચાડવા માટેની આપણી સંગઠનાત્મક જવાબદારીઓ વધી જાય છે.
આ કાર્યશાળાના મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીજીના ૨૫ વર્ષના વિઝનરી શાસને ગુજરાતથી લઈને સમગ્ર દેશના વિકાસની એક નવી વ્યાખ્યા ઘડી છે. તેમના આ સફળ અને સેવાકીય નેતૃત્વના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારું આ ‘સેવા સંકલ્પ અભિયાન’ એ આપણી માટે માત્ર ઉત્સવ નથી, પણ જનસેવા પ્રત્યેનો પુનઃસંકલ્પ કરવાનો અવસર છે.
વધુમાં આ અભિયાન અંતર્ગતના બહુવિધ કાર્યક્રમો વિશે છણાવટ કરતા શ્રી દવેએ જણાવ્યું હતું કે આગામી સમયમાં મુખ્યત્વે ‘આશીર્વાદનો દીવો’, ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’, ‘નમો સેવા ગાથા’, ‘આંગણવાડી ઉત્સવ’, ‘પરિવર્તનની વાર્તા’, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, ‘સેવા જ્યોત યાત્રા’, ‘વડનગરથી વારાણસી’, ‘સેવા મેરા યોગદાન’, ‘સેવા સેતુ અભિયાન’, ‘રંગોળી રાષ્ટ્ર’, ‘રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ’ તથા ‘જનસેવક મહાકુંભ’ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ આગામી સેવા સંકલ્પ અભિયાનની શાનદાર સફળતા માટે શુભેચ્છાઓ પાઠવતા લાગણી વ્યક્ત કરી હતી કે કચ્છનો ગૌરવશાળી વિકાસ અને સુરક્ષા એ મોદીજીના વિઝનનું જ મૂર્ત સ્વરૂપ છે, તેથી જ કચ્છ ભાજપના તમામ કાર્યકરો આ સેવા યજ્ઞમાં સમર્પણ ભાવે જોડાઈને અભિયાનને અભૂતપૂર્વ સફળ બનાવે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિત અપેક્ષિત શ્રેણીના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપના મહામંત્રી હિતેષભાઇ ખંડોરે કર્યું હતું જયારે આભાર વિધિ સેવા સંકલ્પ અભિયાનના જિલ્લા સંયોજક પરેશભાઈ ભાનુશાલી દ્વારા કરવામાં આવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.