ગાંધીધામમાં બંધ મકાનમાથી 1,60,000ની તસ્કરી
ગાંધીધામમાં બંધ મકાનમાથી 1,60,00ની ચોરી થઈ હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ગાંધીધામના મકાન નં.01 આનંદ સોસાયટી સેન્ટ જોસેફ હોસ્પિટલ પાસે સેક્ટર-02માં રહેતા રાજેન્દ્રસિંહ બલભદ્રસિંહ ગોહિલે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ પોતાના પત્ની હંસાબા સાથે તા.7-1ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં જામનગર જવા માટે નિકળ્યા હતા. ત્યારબાદ ગઇકાલે રાત્રિના આશરે સાડા ત્રણેક વાગ્યે ગાંધીધામ પરત આવ્યા હતા. તે દરમિયાન ઘરમાં પ્રવેશ કરતાં રૂમના દરવાજા ઉપર લાગેલ તાળું તૂટેલું નજરે પડ્યું હતુ અને દરવાજો ખુલ્લો હતો. રૂમમાં તપાસ કરતાં લાકડાના કબાટનો સામાન તથા તિજોરી કબાટનો સામાન વેર વિખેર હતો તેમજ સેટી પલંગનો સામાન વેર વિખેર નજરે પડ્યો હતો. લોખંડની તિજોરીમાં રાખેલા સોનાની 1 તોલાની ચેઈન કિ.રૂ.40,000,સોનાની પોણા તોલાની ચેઈન જેની કિ.રૂ.30,000, સોનાની બ્રેસલેટ નંગ 2 કિ.રૂ.50,000, ત્રણ જોડી બુટ્ટી કિ.રૂ.20,000 તથા રોકડા રૂપિયા 20,000ન મળી કુલ.કિ.રૂ. 1,60,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.