વરસામેડીમાં આવેલ જમીનના ખોટા પાવરનામાં બનાવી વેચવાનું કાવતરું ઘડનાર 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ડી.સી.-5 પાજો ઘર આદિપુરમાં રહેતા વાલજીભાઈ અરજણભાઇ બાબરીયાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમણે 2005માં અંજાર તાલુકાનાં વરસામેડી ગામની સિમના સર્વે નં.642 વાળી જમીન અઘાટ વેચાણે લીધેલ હતી. ત્યારબાદ જમીન બાબતે અન્ય દાવા તથા વાધા અરજીઓ દાખલ થયા બાદ ચુકાદો ફરિયાદીની તરફેણમાં આવેલ હતો. ત્યારબાદ તેઓ કામ કાજ અર્થે અંજાર મધ્યે સબ રજીસ્ટાર કચેરી જતાં તેમના નામના ખોટા પાવરનામાના આધારે વરસામેડીની આ જમીન દસ્તાવેજ રજિસ્ટાર થવા આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓએ દસ્તાવેજની નોંધણી ન કરવા વાધા અરજી દાખલ કરાવેલ હતી. ત્યારબાદ ફરિયાદીએ પાવરનામાની નકલ મેળવી તપાસ કરતાં પાવરનામામાં ફરિયાદીની ખોટી સહી કરી પિયુષ જયેશભાઈ ઠક્કરે(રહે. સ્વામીનારાયણનગર સતાપર રોડ અંજાર)વાળાએ ફરિયાદીના નામે પાવરનામું બનાવી દિપક પૂના કોઠીવાર (રહે. અંતરજાળ ) વાળાને વેચી આપેલ હોવાનું સામે આવ્યું હતું.

આમ, પિયુષ જયેશભાઈ ઠક્કર તથા દિપક પૂના કોઠીવારે સાથે મળી કાવતરૂ રચી ફરિયાદી વાલજીભાઈની જમીનનું ખોટું પાવરનામું બનાવી વેચાણે આપી હોવાથી આ બંને શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.