મીઠીરોહરમાં દિન-દહાડે 1,56,000ના દાગીનાની તસ્કરી

ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહરમા ચોરે ચાવી વડે ઘરનું તાળું ખોલી ઘરમાં પ્રવેશી અંદર રહેલ પતરાની પેટીનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીના ચોરી ગયો હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં પ્રમોદકુમાર કાલેશ્વર યાદવ(રહે. ઈદગોર સોસાયટી, મીઠીરોહર) ફરિયાદમાં જણાવ્યુ હતું કે, લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પત્ની વતન ગયેલ છે અને બંને બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. ફરિયાદી તા.12-1ના બપોરના આશરે પોણા એક વાગ્યે રાધેશ્યામ કંપની પડાણા પોતાના કામ અર્થે ગયેલ હતા. તે દરમિયાન તેમણે પોતાના ઘરની ચાવી રૂમના બહારના ભાગે આવેલ સિલાઈ મશીન પર રાખેલ હતી. સાંજે કામ પૂરી કરી ફરિયાદી આશરે પોણા છએક વાગ્યે પરત ફરી ચાવી વડે રૂમનું તાળું ખોલી અંદર જતાં રૂમમાં રાખેલ પેટીનો નકુચો તૂટેલ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી ફરિયાદીએ પેટીમાં તપાસ કરતાં  તેમની પત્નીના 2 જોડી સોનાના એરિંગ, 2 જોડી સોનાની બુટ્ટી, 1 મંગલસૂત્ર, 3 નંગ સોનાના ઓમ, સોનાના દાણા , 1 નંગ સોનાની વીંટી, ચાંદીના 3 જોડી પાયલ, તેમજ 4 નંગ પગની આંગળીઓમાં પહેરવાની એરિંગ જેની કિ.રૂ. 1,56,000ના દાગીનાની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે.