સિનુગ્રા નાગલપર રોડ પર બોલેરો અને બાઈકનો અકસ્માત સર્જાયો: એકનું મોત

સિનુગ્રાથી નાગલપર રોડ પર રામકો કંપની અને વીનેશ પેટ્રોલ પંપ વચ્ચે બોલેરો અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવારને ગંભીર પ્રકારની ઇજાઓ પહોચતા મોત નીપજયું હતું જ્યારે બાઈક ચાલકને ફેકચર જેવી ઇજાઓ પહોચી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં રમેશભાઈ ભીમાભાઈ જોગીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તા.18-1ના તેમના પિતાજી ભીમાભાઈ અને મોટા બાપા ભુરાભાઈ GJ-12-CH-6881થી સિનુગ્રાથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે સવા દશેક વાગ્યાના અરસામાં રામકો કંપનીથી વીનેશ પેટ્રોલ પંપ વચ્ચે પહોચતા કોઈ અજાણ્યા બોલેરો ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઇક સાથે અથડાવી અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ દરમિયાન ફરિયાદીના પિતાજી ભીમાભાઈને પેટના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જ્યારે બાઈક ચાલક ફરિયાદીના મોટા બાપુ ભુરાભાઈને પગના ભાગે ફેકચર જેવી ઇજાઓ પહોચી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ અંજાર સરકારી હોસ્પિટલ અને ત્યાથી વધુ સારવાર અર્થે ભુજ.જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે ફરિયાદીના પિતાજીનું મોત નીપજયું હોવાનું જણાવ્યુ હતું. પોલીસે અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.