નખત્રાણામાં નિશાચોરો બન્યા બેફામ: ઘરમાથી 31,26,800ની ચોરીને આપ્યો અંજામ
નખત્રાણાના પ્રાચીનગરમાં ચોરે રાત્રિ દરમિયાન ઘરનો દરવાજો તોળી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના કિ.રૂ. 29,10,300 તેમજ 2,16,500 રૂપિયા રોકડા મળી 31,26,800ની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના નખત્રાણા પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે નખત્રાણાના પ્રાચીનગરમાં એકલવાયુ જીવન વિતાવવતા હીરાબેન રણછોડભાઈ ગોસ્વામીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.20-1ના રાત્રિના નવેક વાગ્યે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી સૂઈ ગયા હતા. ત્યારબાદ રાત્રે સાડા બારેક વાગ્યે જાગેલ ત્યારે બધુ બરાબર જોવા મળ્યું હતું. ત્યારબાદ સવારના પાંચેક વાગ્યાના અરસામાં જાગી દરવાજો ખોલવા જતાં દરવાજાનો નકૂચો નીચે પડી ગયો હતો. જેથી તેઓને શક થતાં તેમણે પોતાની સેટિ ઉપર ઓશિકા પાસે રાખેલ ચશ્માની ડબ્બી જોતાં તેમાં રાખેલ સોનાની ચેન, સોનાની વીંટી, સોનાની કૃષ્ણ ભગવાનની નાની મુર્તિ, સોનાનો શંકર ભગવાનનો ઓમ જોવા મળ્યા ન હતા. જેથી તેઓએ આસપાસની વસ્તુઓ તપાસતા આધાર કાર્ડ રેશન કાર્ડ તથા સિક્કાઓ નજરે પડ્યા ન હતા ઉપરાંત તેમના કોટમાં રહેલ 15,000 રૂપિયા ગાયબ જણાયા હતા. તેઓએ પોતાના અંદરના રૂમમાં જઈ તપાસ કરતાં સામાન વેર વિખેર હાલતમાં નજરે પાડો હતો. ફરિયાદીના કબાટનો દરવાજો ખુલ્લો જણાતા તેમણે કબાટમાં તપાસ કરતાં સોનાના પટ્ટા, સોનાની પટ્ટી, 2 સોનાની માળા, ચેઇન પેંડલ, સોનાનું મંગલસૂત્ર, 8 સોનાની બંગડી,4 સોનાની માથાની પિન, 7 સોનાની વીંટી, સોનાનો હાર, સોનાના બે પાટલા, સોનાની ડાયમંડ બુટ્ટી, ચાંદીના છતર, ચાંદીના બે મુગટ, ચાંદીની ગાય, ચાંદીની સીડી, ચાંદીની શંકર પાર્વતીની મુર્તિ, ચાંદીની કૃષ્ણ ભગવાનની મુર્તિ, ચાંદીના ફુલવટ જેવા સોના ચાંદીના 29,10,300ના દાગીના ચોરી થયા હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ 2,16,500 રૂપિયા રોકડા મળી કુલ 31,26,800નો મુદ્દામાલ કોઈ અજાણ્યો ચોર ચોરી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. નખત્રાણા પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.