સામખીયાળીમાં દિન દહાડે બંધ ઘરમાથી 4.88 લાખની તસ્કરી
ભચાઉ તાલુકાના સામખીયાળીમાં ધોળા દિવસે બંધ ઘરમાંથી ચોરે 4.88 લાખની ચોરીને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મોરી વિસ્તાર સામખીયાળીમાં રહેતા હરીભાઈ ગણેશભાઈ આહિરે સામખીયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ ઇ.ટી કંપનીના ગેટ પાસે મની ટ્રાન્સફરની દુકાન ચલાવે છે. ફરિયાદી તા.28-1ના પોતાની દુકાન પર ગયા હતા અને ફરિયાદીનો પરિવાર ઘરને તાળું મારી કરમરીયા ગામે સગાઈ પ્રસંગે ગયેલ હતા. બપોરના ફરિયાદી ઘરે જમવા જતાં ગેટનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતાં મકાનને મારેલ તાળું નજરે પડ્યો ન હતો અને દરવાજો થોડો ખુલ્લો જોવા મળ્યો હતો. ફરિયાદીએ અંદર જઈ તપાસ કરતાં રૂમમાં આવેલ ભીત કબાટનું લોક તુટેલ જોવા મળ્યું હતું તેમજ ઘરમાં રાખેલ સામાન વેર વિખેર નજરે પડ્યો હતો. જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ફરિયાદીએ પોતાના પરિવારના સભ્યોને જાણ કરી ઘટના સ્થળ પર બોલાવી ચોરી થયેલ સામાન અંગે તપાસ કરી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદીના પિતાજીએ ભેંસો તથા જુવાર વેચાણના આવેલ રોકડા રૂપિયા 3,70,000 તેમજ સોનાનું મંગળસૂત્ર , સોનાના ઠોરીયા, સોનાની બુટી, સોનાના લટકળીયા મળી કુલ કિ.રૂ.4,88,950ની મત્તાની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.