લખપતના ઘડૂલીમાં દુકાનના ગોડાઉનમાથી 11000ના સામાનની તસ્કરી કરનાર શખ્સ ઝડપાયો
લખપત તાલુકાના ઘડૂલી ગામમાં આવેલ દુકાનના ગોડાઉનમાં ચોરે પ્રવેશી તાળું તોળી ગોડાઉનમાં રહેલ કોપર રીવાઇડિંગ વાયર તેમજ અલગ-અલગ કોપર તથા તાંબા પીતળની ભંગારની વસ્તુઓ મળી આશરે 11,000ની ચોરી આચરી હોવાની ફરિયાદ દયાપર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતાં હર્ષદ પરષોતમભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ રૂષિ એંટરપ્રાઇઝ નામની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓ પોતાની દુકાન તા.20-1ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં બંધ કરી ગોડાઉનને તાળું મારી ઘરે ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે તા.21-1ના સવારના દશ વાગ્યાના અરસામાં દુકાનનું ગોડાઉન ખોલવા જતાં દુકાનનું ગોડાઉનનું તાળું તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું. તેમજ દરવાજો અર્ધ ખુલ્લી હાલતમાં નજરે પડ્યો હતો. જેથી ફરિયાદીએ અંદર જઈ તપાસ કરતાં ગોડાઉનમાં રાખેલ કોપર રીવાઇડિંગ વાયર જેની કિમ.રૂ.5000 તથા ગોડાઉનમાં પડેલ અલગ-અલગ કોપરના વાયરો તથા તાંબા પીતળની ભંગારની વસ્તુઓ મળી આશરે કિ.રૂ.6000 મળી કુલ.કિ.રૂ.11000ની માલમત્તાની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. દયાપર પોલીસે અનિલ શાંતિલાલ ઠક્કર (રહે. ઘડૂલી તા. લખપત)ને શંકાસ્પદ ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ચોરની પૂછપરછ કરતાં ઉપરોક્ત ગોડાઉનમાથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. દયાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.