ગાંધીધામ KASEZ માંથી થયેલ સિગરેટની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ
ગાંધીધામના વિશેષ આર્થિક ક્ષેત્ર કંડલામાં કસ્ટમે સીઝ કરેલા જથ્થામાંથી તસ્કરો 15.45 લાખની સિગારેટની ચોરી કરી ગયા હતા. જે બનાવનો પોલીસે ભેદ ઉકેલીને ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ કાસેઝમાં આવેલા વેરહાઉસમાં કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરાયેલી સિગારેટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા અને રૂપિયા 15,45,000ના 58 બોક્ષની ચોરી કરી જવાઈ હતી. આરોપી અંગે માહિતી મેળવવા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગણેશનગરમાં આરોપીના કબજાની ઓફિસમાં ચોરાઉ માલ છુપાવાયો હોવાની જાણ થઈ હતી. આ વિસ્તારમાં પોલીસે છાપો મારીને સિગારેટના 338 પેકેટ રૂપિયા 89,908ના મુદ્દામાલ સાથે આરોપી હિતેષ ખેરાજ ગરવા રહે, સેક્ટર 6, વિનોદ બલજિત ધાનિયા રહે. સતરા હજાર ઝૂંપડા તથા યુનુશ ચાંદશા કાજડિયા રહે, ભક્તિનગરની ધરપકડ કરી હતી. તેમજ મોબાઈલ મળી કુલે 1,04,908નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. પૂછતાછમાં સલીમ અબ્દુલ કકલ રહે, લક્ષસરોવર સોસાયટી, કિડાણાનું નામ ખુલ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.’ આ કામગીરી પોલીસ ઈન્સપેકટર એમ.એન.દવે સાહેબની સુચના હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.