એલસીબીએ વાયરચોર ટોળકી ઝડપી

માંડવી તાલુકાના ભોજાયની સીમમાં દોઢ માસ પૂર્વે વીજલાઇનની ચાલતી કામગીરી દરમ્યાન રૂા. 1.25 લાખના વીજવાયરની ચોરી કરનારી ટોળકીને એલ.સી.બી.એ ઝડપી પાડી છે. એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, એક સફેદ બોલેરો નાના વરનોરાથી ભુજ તરફ આવી રહી છે, જેમાં ચોરી કે છળપકપટથી મેળવાયેલી વસ્તુઓ છે. આ બાતમીના પગલે વોચ રાખીને બોલેરો નં. જી.જે.-12-બી.વી.-1767વાળીને ઝડપી જીપના ઠાંઠામાંથી 100 કિલો વાયર કિં.રૂા. 7000 મળી આવ્યો હતો. ટોળકીના પાંચ આરોપીની પૂછતાછ કરતાં દોઢ માસ પૂર્વે ભોજાયની સીમમાંથી ચોર્યાની કબૂલાત કરી હતી. આમ, વાયરચોરી કરતી ટોળકીના પાંચ આરોપી અયુબ કાસમ મેમણ, અબુબકર જુસબ ગગડા, સુલતાન સુમાર મેર, કરીમ રાણા મમણ અને સાહિલ સુમાર મેર (રહે. તમામ નાના વરનોરા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચોરીનો માલ લેનાર આરોપી કાસમ હાજી કંભાર (રહે. ભુજ)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આમ, વાયરચોર ટોળકીને ઝડપીને ગઢશીશા પોલીસ વિસ્તારનો વાયરચોરીનો ભેદ એલ.સી.બી.એ ઉકેલી લીધો છે.